IPL મેગા ઑક્શન : ઋષભ પંત ૨૭ કરોડ, શ્રેયસ અય્યર ૨૬.૭૫ કરોડ
IPL મેગા ઑક્શનમાં ખેલાડીઓ ઉપર છપ્પર ફાડ કે વરસ્યા પૈસા…
૭ ભારતીય ખેલાડી પર ફ્રેન્ચાઈઝીએ ખર્ચ્યા ૧૨૬ કરોડ રૂપિયા
પંત ઈતિહાસનો સૌથી `મોંઘો’ ખેલાડી: પંત-અય્યર ઉપર મિનિટોમાં ૫૩.૭૫ કરોડ વરસ્યા
અર્શદીપને ૧૮, શમીને ૧૦, ચહલને ૧૮, સીરાજને ૧૨.૨૫, રાહુલને ૧૪ કરોડ મળ્યા
આઈપીએલની ૧૮મી સીઝન માટે સઉદી અરબના જેદ્દાહમાં બે દિવસ માટે મેગા ઑક્શન મતલબ કે મોટી હરાજી ચાલી રહી છે ત્યારે તેમાં ભારતીય ખેલાડીઓ ઉપર અત્યાર સુધી ક્યારેય ન વરસ્યા હોય એટલા રૂપિયા વરસ્યા છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના વિકેટકિપર-બેટર ઋષભ પંતને લખનૌ સુપરજાયન્ટસે અધધ ૨૭ કરોડ રૂપિયા ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સાથે જ પંત આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેના પહેલાં આ રેકોર્ડ શ્રેયસ અય્યર (૨૬.૭૫ કરોડ)ના નામે હતો જે પંદર મિનિટમાં જ તૂટી જવા પામ્યો હતો. એકંદરે મોંઘા ભાવે વેચાવાના તમામ રેકોર્ડ આ બન્ને ખેલાડીએ તોડી નાખ્યા હતા.
આ ઉપરાંત ભારતીય ટીમના બોલર અર્શદીપસિંહ, કે.એલ.રાહુલ, મોહમ્મદ સીરાજ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલને પણ કરોડો રૂપિયા મળ્યા હતા તો વિદેશી ખેલાડીઓમાં જોશ બટલર, કેગીસો રબાડા, મીચેલ સ્ટાર્ક, ડેવિડ મીલર, લિયામ લિવિંગસ્ટોન સહિતના ખેલાડી કરોડો રૂપિયા છાપી જવા પામ્યા હતા.

પંતને લખનૌ, અય્યરને પંજાબ, રાહુલને દિલ્હીની `કમાન’ નિશ્ચિત
મેગા ઑક્શનમાં ભારતીય ખેલાડીઓ ઉપર જોરદાર નાણાં વરસ્યા છે ત્યારે ફ્રેન્ચાઈઝીઓ દ્વારા આ ખરીદી એકદમ સમજી-વિચારીને કરવામાં આવી છે. ખાસ કરીને લખનૌ સુપરજાયન્ટસની વાત કરવામાં આવે તો તેણે પંતને ૨૭ કરોડ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. લખનૌ પાસે કેપ્ટન ન હોવાથી હવે પંતના હાથમાં કમાન સોંપાવાનું નિશ્ચિત છે. આ જ રીતે કેકેઆરમાંથી છૂટા થયા બાદ હરાજીમાં સામેલ થનારા શ્રેયસ અય્યરને પંજાબ અને લખનૌમાંથી આવેલા કે.એલ.રાહુલને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવાનું નિશ્ચિત મનાય રહ્યું છે.
