પુજારાની `પડતી’: ઈંગ્લીશ કાઉન્ટી ટીમે એક લાઈનના લખાણથી કરી હકાલપટ્ટી
- ઑસ્ટે્રલિયન ખેલાડી ડેનિયલ હ્યુઝને કારણે પુજારાને બનાવાયો બલીનો બકરો
ટીમ ઈન્ડિયામાં પાછા ફરવા માટે એડીચોટીનું જોર લગાવી રહેલા ચેતેશ્વર પુજારાને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડમાં આવતાં વર્ષે રમાનારી કાઉન્ટી ચેમ્પિયનશિપ પહેલાં જ સસેક્સ ટીમે તેની સાથે કોન્ટ્રાક્ટ તોડી નાખ્યો છે. પુજારાએ સસેક્સ ટીમ માટે રનોના ઢગલા કર્યા હતા સાથે સાથે અનેક મેચમાં જીત પણ અપાવી હતી. ટીમ માટે ત્રણ સીઝનની માત્ર ૨૨ મેચમાં ૧૦ સદી સહિત ૨૨૪ રન બનાવનારા પુજારા સાથે ક્લબે એક લીટીનું લખાણ લખી કરારનો અંત આણ્યો છે !
ઈંગ્લેન્ડની આ ક્લબે ઑસ્ટે્રલિયાના ડેનિયલ હ્યુઝને ટીમમાં જાળવી રાખવા માટે ચેતેશ્વર સાથે કોન્ટ્રાક્ટ પૂર્ણ કર્યો છે. હ્યુઝ આગલી સીઝનની તમામ ચેમ્પિયનશિપ અને ટી-૨૦ વિટૈલિટી બ્લાસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે. પુજારા ૨૦૨૪માં સળંગ ત્રીજી વખત સસેક્સ વતી રમ્યો હતો.
તેણે હ્યુઝની વાપસી પહેલાં પ્રથમ સાત ચેમ્પિયનશિપ મેચ રમી હતી. સસેક્સના મુખ્ય કોચ પૉલ ફારબ્રેસે સત્તાવાર વેબસાઈટ પર આપેલા નિવેદનમાં કહ્યું કે ચેતેશ્વર સાથે કરાર પૂર્ણ કરવો અમારા માટે સરળ ન્હોતું પરંતુ ડેનિયલ અમારી જરૂરિયાત પ્રમાણે ટીમમાં ફિટ બેસી રહ્યો છે અને અમને ખુશી છે કે તે આગલી આખી સીઝન માટે ઉપલબ્ધ રહેશે.
હવે કાઉન્ટી ક્રિકેટમાંથી પણ પત્તું કપાઈ જતાં પુજારા કરિયરને લઈને શું નિર્ણય લ્યે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે કેમ કે દલીપ ટ્રોફીની ચાર ટીમમાં પણ પુજારાને જગ્યા અપાઈ નથી.