કાનપુરના સ્ટેડિયમમાં વાનરોનો આતંક: એસો.એ ‘લંગૂર’ ઉતાર્યા !!
- ભાડે રાખીને ગ્રાઉન્ડમાં તૈનાત કરી દેવાયા
પૂર્વના મેન્ચેસ્ટર તરીકે ઓળખાતાં કાનપુરના ગ્રીન પાર્ક ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જો કે અહીં વાનરોએ ઉપાડો લેતાં મેચના આયોજકોમાં દોડધામ મચી જવા પામી છે. વાનરો મેચ જોવા આવનારા દર્શકો ઉપર તૂટી પડે છે સાથે સાથે તેમના હાથમાં રહેલું ખાવાનું પણ ઝૂંટવી લ્યે છે. એટલું જ નહીં વાનરો ટીવી ક્રૂનું ભોજન પણ ખાઈ જાય છે જે આંતરરાષ્ટ્રીય મેચનું રિપોર્ટિંગ કરવા માટે તૈનાત હોય છે. વાનરોથી કોઈ તકલીફ ન પડે એટલા માટે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને લંગૂરને ઉતારી દીધા હતા !
લંગૂરના ડરથી વાનર આવતા નથી. આ અંગે ગ્રીન પાર્ક સ્ટેડિયમના ડાયરેક્ટર સંજય કપૂરે જણાવ્યું કે વાનર મેચ કવર કરી રહેલા કેમેરામેન ઉપર પણ હુમલો કરી દેતા હોવાથી ઘણી પરેશાની થઈ રહી છે. નાસ્તો અને પીણાં સુધી વાનરોને પહોંચતાં રોકવા માટે જ્યાં કેમેરામેન હોય છે એ જગ્યાએને કાળા કવરથી ઢાંકી દેવામાં આવે છે. આ ઉપરાંત લંગૂર પણ રાખવામાં આવ્યા છે. અગાઉ પણ આ પ્રકારની સમસ્યાને કારણે એસો. દ્વારા લંગૂર ભાડે લેવામાં આવ્યા હતા. ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં લાંબા સમયથી વાનરનો આતંક જોવા મળી રહ્યો છે.