કોહલીને ગળે મળવું ભારે પડ્યું !
સ્ટાર બેટર વિરાટ કોહલીના ચાહકો આખી દુનિયામાં છે ત્યારે અમુક ચાહકો હદ વટાવીને કોહલી સુધી પહોંચી જતા હોવાથી તેમણે સજા ભોગવવાનો વખત પણ આવે છે. ઈન્દોરમાં ભારત-અફઘાન વચ્ચેની મેચમાં આવા જ એક ચાહકને કોહલીને ગળે મળવું ભારે પડી ગયું છે. ૪૨૯ દિવસ બાદ ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં વાપસી કરનારા કોહલીએ મેચમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા. ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં વાપસી બાદ આવી ઈનિંગથી તેની વર્લ્ડકપ રમવાની આશા વધી ગઈ છે. દરમિયાન બેટિંગ પર આવતાં પહેલાં કોહલી સાથે કંઈક એવું બન્યું જે અત્યાર સુધી અનેક વખત બની ચૂક્યું છે. મેચ દરમિયાન એક શખ્સ તેની પાસે પહોંચ્યો અને તેને ભેટી પડ્યો હતો. આ પછી પોલીસે તેની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.