IPL ભારતમાં જ રમાશે: ૨૨ માર્ચથી શરૂ થઈ શકે
લોકસભા ચૂંટણીને કારણે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર નહીં થાય: મતદાન હશે એ રાજ્યમાં મેચ નહીં રમાડવા નિર્ણય
આઈપીએલની ૧૭મી સીઝન ૨૨ માર્ચથી શરૂ થઈ શકે છે. આઈપીએલની ગવર્નિંગ કાઉન્સીલના ચેરમેન અરુણ ધુમલે આ અંગેની જાણકારી આપી છે. અરુણ ધુમલે કહ્યું કે અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે. જો કે લોકસભા ચૂંટણી હોવાને કારણે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થઈ શકતું નથી પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે. અગાઉ ૨૦૦૯ અને ૨૦૧૪માં લોકસભા ચૂંટણીને કારણે ટૂર્નામેન્ટ વિદેશમાં રમાઈ હતી પરંતુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન આઈપીએલ ગવર્નિંગ કાઉન્સીલે ભારતમાં જ આઈપીએલની ૧૨મી સીઝનને સફળતાપૂર્વક રમાડી હતી. આ જ સફળતાને અત્યારે ધ્યાન પર લેવામાં આવી છે.
બીજી બાજુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સંપૂર્ણ કાર્યક્રમ એક સાથે જાહેર નહીં કરાય. તમામ ટીમોના પ્રથમ બે-ત્રણ મેચનો કાર્યક્રમ જ જાહેર કરાશે. આ પછી લોકસભા ચૂંટણીના મતદાન પ્રમાણે તબક્કાવાર કાર્યક્રમ જાહેર થશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સીલ કાર્યક્રમ જાહેર કરવા બાબતે ગૃહ મંત્રાલય અને ચૂંટણી પંચ સાથે મળીને કામ કરશે. જ્યારે જે રાજ્યમાં મતદાન હશે તે રાજ્યમાં આઈપીએલની મેચનું આયોજન કરાશે નહીં. આઈપીએલની ૧૭મી સીઝન ૨૬ મે સુધી ચાલી શકે છે. ૫ જૂનથી ટી-૨૦ વર્લ્ડકપનો પ્રારંભ થવાનો છે આવામાં બીસીસીઆઈ ભારતીય ખેલાડીઓને વર્લ્ડકપની તૈયારી માટે ઓછામાં ઓછા ૮થી ૧૦ દિવસનો આરામ આપવાનો પ્રયત્ન કરશે.