IPLમાં લક્ષ્યાંક હાંસલ કરવો કપરો બની રહ્યો છે !
ડેથ ઓવરમાં ભારતીય બોલરોનો તરખાટ: ૬માંથી ૩ મેચમાં ટાર્ગેટનો પીછો કરતાં કરતાં ટીમ હારી ગઈ
આઈપીએલની પ્રથમ પાંચમાંથી ત્રણ મેચ પહેલાં બેટિંગ કરનારી ટીમે જીતી છે. હર્ષિત રાણા બાદ સંદીપ શર્મા અને પછી મોહિત શર્માએ કહેર વરસાવ્યો છે. હર્ષિતે કોલકત્તાને હારેલી મેચ જીતાડી તો સંદીપ અને મોહિત શર્માએ પણ કમાલની બોલિંગનું પ્રદર્શન કર્યું છે. ચેપકમાં રમાયેલી આઈપીએલ-૨૦૨૪ની પહેલી મેચમાં ચેન્નાઈએ આરામથી લક્ષ્યાંક ચેઈઝ કરીને બેંગ્લોરને ૬ વિકેટે હરાવ્યું હતું. આ પછી ચંદીગઢના મુલ્લાપુરમાં બનેલા નવા સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટે હરાવ્યું હતું. કોલકત્તા નાઈટ રાઈડર્સ અને હૈદરાબાદ વચ્ચે ઈડન ગાર્ડનમાં રમાયેલી એકમાત્ર મેચ જેમાં બન્ને ઈનિંગમાં ૨૦૦થી વધુ રન બન્યા હતા. આ મેચ ઉપરાંત કોઈ મેચમાં રનનો આટલો ઢગલો થયો નથી.
આ હાઈસ્કોરિંગ થ્રિલર મેચમાં હર્ષિત રાણાએ મીચેલ સ્ટાર્કની ૧૯મી ઓવરમાં ૨૬ રન ગયા બાદ ૧૩ રનનો બચાવ કર્યો હતો. આમાં પણ તે પહેલાં બે દડામાં ૭ રન આપી ચૂક્યો હતો. આ પછી તેણે હેનરિક ક્લાસેન અને શાહબાઝ અહમદને આઉટ કર્યા હતા. લખના-રાજસ્થાન વચ્ચેની મેચમાં સંદીપ શર્માની શાનદાર બોલિંગનો નિકોલ્સ પુરન જેવા બેટરો પાસે જવાબ ન્હોતો. લખનૌને એક સમયે ૪ ઓવરમાં ૪૯ રનની જરૂર હતી. કે.એલ.રાહુલ ફિફટી અને પૂરન ૪૬ રન બનાવીને ક્રિઝ પર હતો પરંતુ સંદીપ શર્માએ રાજસ્થાનને જીત અપાવી દીધી હતી.
સંદીપે ૧૫મી ઓવરમાં બોલિંગની શરૂઆત કરી હતી. આ પછી ૧૭મી અને ૧૯મી ઓવર તેણે ફેંકી હતી. ડેથ ઓવરમાં ૩ ઓવર ફેંકવી અને ૨૨ રન આપવા એ બતાવી રહ્યું છે કે રાજસ્થાન વિરુદ્ધ લક્ષ્યાંક ચેઈઝ કરવો સરળ નથી. ગુજરાત-મુંબઈ વચ્ચેની મેચમાં પણ નાટકીય વળાંક આવ્યો હતો. મુંબઈની ટીમને એક સમયે ૩૬ દડામાં ૪૮ રનની જરૂર હતી અને હાથ ઉપર ૭ વિકેટ હતી. જો કે મોહિત શમાએ મુંબઈના બેટરોની એક ચાલવા દીધી ન્હોતી. તેણે ૪ ઓવરમાં ૩૨ રન આપીને ૨ વિકેટ ખેડવી હતી. મોહિત શર્માએ ૧૨મી ઓવરમાં બોલિંગની શરૂઆત કરી હતી. ૧૮મી ઓવરમાં જ્યારે તેનો સ્પેલ પૂરો થયો ત્યારે મુંબઈને ૨ ઓવરમાં ૨૭ રનની જરૂર હતી. મોહિત બાદ સ્પેન્સર જોન્સન અને ઉમેશ યાદવે ધારદાર બોલિંગ કરી હતી.