કેજરીવાલને 24 કલાકમાં શું લાગ્યા ઝટકા ? જુઓ
સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી રહી છે. કેજરીવાલને 24 કલાકમાં અદાલતથી ત્રણ ઝટકા લાગ્યા હતા. હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દીધા બાદ કેજરીવાલને લોકલ કોર્ટ દ્વારા ઝટકો લાગ્યો હતો. વકીલને મળવા દેવાની માંગ અંગે સુનાવણી કરતા રાઉઝ એવેન્યુ કોર્ટે કેજરીવાલની માગ સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો હતો અને સુપ્રીમ કોર્ટે પણ ધરપકડ અંગેના હાઈકોર્ટના ફેસલાને પડકારતી અરજી પર તત્કાળ સુનવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે બુધવારે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે કેજરીવાલની અરજી માટે કોઈ સ્પેશ્યલ બેન્ચ રચાશે નહીં અને સોમવાર પહેલા સુનાવણી થઈ શકશે નહીં. આમ ધરપકડ અંગે હાઈકોર્ટના ફેસલાની સામેની અરજી પર સુનાવણી માટે કેજરીવાલે એક સપ્તાહ સુધી રાહ જોવી પડશે.
5 દિવસ વકીલને મળવાની માંગ
કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટેમાં એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે અઠવાડિયામાં 5 દિવસ સુધી વકીલોને મળવાની માગ કરી હતી. કેજરીવાલનું કહેવું એમ હતું કે, સમગ્ર દેશમાં તેમની વિરુદ્ધ 30 અલગ-અલગ કેસ નોંધાયેલા છે. આ મામલે વકીલ સાથે વાત કરવા માટે કેજરીવાલે અઠવાડિયામાં 5 દિવસનો સમય માગ્યો હતો.
કેજરીવાલની અરજી પર સુનાવણી કરતા રાઉઝ એવેન્યુ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. . કોર્ટે કેજરીવાલને વકીલને મળવા માટે માત્ર બે દિવસનો સમય આપ્યો છે. પરંતુ કેજરીવાલનું કહેવું છે કે, 2 દિવસ તેમના માટે પર્યાપ્ત નથી. તેનાથી તેને કેસ સમજવામાં મુશ્કેલી થશે. તેથી તેમને ઓછામાં ઓછા પાંચ દિવસનો સમય આપો.
આમ 24 કલાકમાં કેજરીવાલને ત્રણ ઝટકા લાગ્યા હતા. પહેલા મંગળવારે હાઇકોર્ટે ધરપકડ વ્યાજબી હોવાનું કહ્યું હતું અને બુધવારે લોકલ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટે પણ ઝટકા આપ્યા હતા.