IND vs ENG : “ઇન્દ્રદેવ” ની કૃપા વરસી તો ઇન્ડિયા ફાઇનલમાં સીધી એન્ટ્રી કરશે, જાણો શું છે સમીકરણ?
ટી-20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડની ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે. પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો પરંતુ બીજી સેમિફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. શા માટે નથી રાખવામાં આવ્યો તેનું કારણ અમે તમને જણાવશું.
ભારત-ઈંગ્લેન્ડ મેચ માટે રિઝર્વ ડે કેમ ન રાખવામાં આવ્યો?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે ગુયાનામાં બીજી સેમીફાઈનલ મેચ રમાવાની છે. આ પછી શનિવારે ફાઇનલ મેચ રમાવાની છે. બીજી સેમિફાઇનલ અને ફાઇનલ વચ્ચે માત્ર એક દિવસનો સમય છે. આ કારણોસર બીજી સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં જશે. પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ટોપ પર છે.
ગયાનામાં વરસાદની શક્યતા –
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. જો વધારે વરસાદ થશે તો મેચ રદ્દ થશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ફાઈનલમાં રમ્યા વગર પહોંચી શકે છે. આ T20 વર્લ્ડ કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયા એક પણ મેચ હારી નથી. તેથી, જો ઈંગ્લેન્ડ મેચ રમે તો પણ તેમના માટે જીત આસાન નહીં હોય.
જો રિપોર્ટ્સનું માનીએ તો ગયાનામાં મેચના દિવસે એટલે કે 27 જૂને વરસાદની 60 થી 70 ટકા શક્યતા છે. આવી સ્થિતિમાં, ચાહકોને સંપૂર્ણ રમત જોવા મળશે કે નહીં તે જોવાનું રહ્યું. સ્થાનિક સમય અનુસાર, મેચ સવારે 10:30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે) શરૂ થશે. સવારે એટલે કે મેચના સમયે વરસાદની શક્યતા લગભગ 35 ટકા છે, જે બપોરે 1 વાગ્યા સુધીમાં વધીને લગભગ 65 ટકા થઈ શકે છે.