બીજી ટી-૨૦માં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને ૨૧ રને હરાવ્યું
એલનની વિસ્ફોટક બેટિંગ: બાબર-ફખરની ફિફટી એળે ગઈ
ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને બીજી ટી-૨૦માં ૨૧ રને હરાવ્યું છે. હેમિલ્ટનના સેડન પાર્ક સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડે પહેલાં બેટિંગ કરતાં ૮ વિકેટે ૧૯૪ રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ ૧૯.૩ ઓવરમાં ૧૭૩ રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ વતી ઓપનર ફિન એલને ૪૧ દડામાં ૭૪ રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જ્યારે પાકિસ્તાન વતી બાબર આઝમ-ફખર જમાને ફિફટી લગાવી પરંતુ ટીમને જીત અપાવી શક્યા ન્હોતા. બીજી ટી-૨૦ મેચમાં જીત સાથે ન્યુઝીલેન્ડે પાંચ મેચની શ્રેણીમાં ૨-૦થી લીડ મેળવી લીધી છે. ત્રીજી ટી-૨૦ આવતીકાલે ડુનેડિનમાં રમાશે.
ન્યુઝીલેન્ડને ઓપનર ફિન એલન અને ડેવોન કોન્વેએ ઝડપથી શરૂઆત અપાવી હતી. બન્નેએ પાંચ ઓવરમાં જ ટીમનો સ્કોર ૫૯ રન સુધી પહોંચાડ્યો હતો. આ પછી એલન ૭૪ રન બનાવીને આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૯૪ રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત એકદમ ખરાબ રહી હતી. ટીમે બીજી જ ઓવરમાં ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી બાબર-ફખરે સ્કોરને ૫૦ રનને પાર પહોંચાડ્યો હતો. બન્ને વચ્ચે ૮૭ રનની ભાગીદારી થઈ હતી.