કૃણાલ, નીતિશ, યાન્સેન, કરેન ઉપર વરસ્યા કરોડો રૂપિયા
કૃણાલ પંડ્યા હવે બેંગ્લુરુ, નીતિશ રાણા રાજસ્થાન, આફ્રિકી ઑલરાઉન્ડર માર્કો યાન્સેન હવે પંજાબ વતી રમશે
વોશિંગ્ટન સુંદરને ૩.૨ કરોડમાં ખરીદતું ગુજરાત: રહાણે, મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ રહ્યા અનસોલ્ડ
આઈપીએલની ૧૮મી સીઝન માટે સઉદી અરબના જેદ્દાહમાં મેગા ઑક્શન ચાલી રહ્યું છે જેના બીજા દિવસે કૃણાલ પંડ્યા, નીતિશ રાણા, માર્કો યાન્સેન, સૈમ કરેન સહિતના ખેલાડીઓ ઉપર કરોડો રૂપિયા વરસ્યા હતા. કૃણાલ પંડ્યાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ૫.૭૫ કરોડમાં ખરીદ્યો હતો. કૃણાલની મુળ કિંમત ૨ કરોડ હતી. તેને ખરીદવા માટે રાજસ્થાન રોયલ્સે પણ મહેનત કરી હતી. જ્યારે સોમવારે સૌથી મોટી કિંમત આફ્રિકાના ઑલરાઉન્ડર માર્કો યાન્સેનને મળી હતી. યાન્સેનને પંજાબ કિંગ્સે ૭ કરોડ રૂપિયા ચૂકવી ટીમમાં સામેલ કર્યો હતો.
પાછલી લગભગ દરેક સીઝનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી રમનારા ડાબોડી બેટર નીતિશ રાણાને રાજસ્થાન રોયલ્સે ૪.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે આફ્રિકી વિકેટકિપર રિયાન રિકેલ્ટનને મુંબઈ ઈન્ડિયન્સે એક કરોડ રૂપિયામાં સામેલ કર્યો હતો. જોશ ઈંગ્લીશને પંજાબ કિંગ્સે ૨.૬૦ કરોડમાં ખરીદ્યો હતો.
ભારતીય સ્પિનર વોશિંગ્ટન સુંદરને ૩.૨ કરોડમાં ગુજરાતે ખરીદ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ ઉપરાંત કેન વિલિયમસન, ડેવિડ વોર્નર સહિતના ખેલાડીઓ વેચાયા ન્હોતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનિંગ બેટર ફાફ ડુપ્લેસિસને દિલ્હી કેપિટલ્સે ૨ કરોડમાં ખરીદ કર્યો હતો તો ઈંગ્લીશ ઑલરાઉન્ડર સૈમ કરેનને ચેન્નાઈ સુપરકિંગ્સે ૩.૨ કરોડ રૂપિયા ચૂકવી ટીમમાં સામેલ કર્યો હતો.