મેજર લીગ ટી-૨૦ ટૂર્નામેન્ટની એક જ મેચમાં પૂરન, સ્મિથ, ગૉસની સદી: ૫૧ છગ્ગા લાગ્યા
ટી-૨૦ ક્રિકેટમાં સૌથી મોટા સફળ રનચેઈઝનો નવો રેકોર્ડ બન્યો છે. મેજર લીગ ક્રિકેટ-૨૦૨૬ના એલિમિનેટર મેચમાં વોશિંગ્ટન ફ્રિડમે ૨૬૭ રનનો પીછો કરીને ઈતિહાસ રચ્યો હતો. ટીમેમાત્ર ૧૮.૪ ઓવર (૧૧૨ બોલ)માં ચાર વિકેટે ૨૭૦ રન બનાવી મેચ આઠ બોલ પહેલાં જ પોતાના નામે કરી લીધી હતી. પહેલાં બેટિંગ કરતા એમઆઈ ન્યુયોર્કે નિકોલસ પૂરનની તોફાની અને કિરોન પોલાર્ડની વિસ્ફોટક બેટિંગની મદદથી ૯ વિકેટે ૨૬૬ રન બનાવ્યા હતા. જો કે સ્ટિવ સ્મિથ અને એન્ડ્રીઝ ગૉસની રેકોર્ડબ્રેક ભાગીદારીથી આ સ્કોર પણ ટૂંકો પડ્યો હતો.
અગાઉ આ રેકોર્ડ આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સના નામે હતો જેણે આ વર્ષે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ હાંસલ કર્યો હતો. આ સ્કોર ૨૬૫ રનનો હતો. મુંબઈ ઈન્ડિયન્સ ન્યુયોર્કની શરૂઆત સારી ન રહી અને મોનાંક પટેલ માત્ર બે રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ક્વિન્ટન ડિકૉક (૫૧ રન) અને કેપ્ટન નિકોલસ પૂરને વિસ્ફોટક બેટિંગ શરૂ કરી હતી. પૂરને ૩૧ બોલમાં સદી અને ૩૩ બોલમાં ૧૦૬ રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં ૧૩ છગ્ગા અને પાંચ ચોગ્ગા સામેલ હતા. બીજી બાજુ કિરોન પોલાર્ડે પણ ૨૫ બોલમાં આઠ છગ્ગાની મદદથી ૬૪ રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં ટે્રન્ટ બોલ્ટે પણ ૧૦ બોલમાં ૨૨ રન ફટકાર્યા હતા.
જવાબમાં સ્ટિવ સ્મિથ અને એન્ડ્રીઝ ગૉસે ૮૯ બોલમાં ૨૪૧ રનની ભાગીદારી કરી હતી. આ ફ્રેન્ચાઈઝી અથવા ઘરેલુ લીગમાં ટી-૨૦ ફોર્મેટની સૌથી મોટી ભાગીદારી છે. સ્મિથે ૪૮ બોલમાં અણનમ ૧૧૦ રન બનાવ્યા જેમાં સાત ચોગગા અને નવ છગ્ગા સામેલ હતા. જ્યારે ગૉસે ૫૧ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૧૨ છગ્ગાની મદદથી ૧૩૨ રન બનાવ્યા હતા.
