વર્લ્ડકપના સેમિ.માં ઈંગ્લેન્ડ ૮૪ મિનિટ સુધી આગળ રહ્યું, ફર્નાન્ડીઝ-લૌટારોએ ધડાધડ ગોલ કરી અપાવી જીત
ફિફા વર્લ્ડકપના બીજા સેમિફાઈનલનો મેચ ટાઈમ પૂર્ણ થવા આડે છ મિનિટનો સમય બાકી રહ્યો હતો. લિયોનલ મેસ્સીની આર્જેન્ટીના ૦-૧થી પાછળ હતી. એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડ આ મેચ જીતીને ફાઈનલમાં પહોંચી જશે. જો કે છેલ્લી સીટી વાગે તેની સાત મિનિટ પહેલાં આર્જેન્ટીનાએ બે ગોલ કરી ફાઈનલમાં વટભેર એન્ટ્રી કરી હતી.
મેચના પ્રથમ હાફમાં ઈંગ્લેન્ડ હાવિ થયેલુ જોવા મળતું હતું. તેણે ગોલની અનેક તક ઉભી કરી પરંતુ ગોલ કરી શકી ન્હોતી. જો કે આર્જેન્ટીનાને પણ તેણે ગોલ કરવા દીધો ન્હોતો. સેક્નડ હાફમાં ૫મી મિનિટમાં એન્થોની ગૉર્ડને ગોલ કરી ઈંગ્લેન્ડને ૧-૦થી આગળ કર્યું હતું. આ લીડ ૮૪ મિનિટ સુધી જળવાયેલી રહી હતી. ત્યારબાદ લિયોનેલ મેસ્સીના શાનદાર આસિસ્ટ અને આર્જેન્ટીનાના ખેલાડીઓના ગજબ તાલમેલે આખીયે બાજી મિનિટોમાં બદલી નાખી હતી.
આ પણ વાંચો: ફાર્મસી કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે જાહેર કરાઇ માર્ગદર્શિકા
૯૦ મિનિટની રમત પૂર્ણ થવા આડે છ મિનિટનો સમય બાકી હતો એટલે લાગી રહ્યું હતું કે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટીના હારીને બહાર થઈ જશે અથવા તો મેચ ડ્રો રહેશે પરંતુ છેલ્લી સાત મિનિટમાં જ આર્જેન્ટીનાએ બે ગોલ કર્યા હતા. આર્જેન્ટીના માટે પહેલો ગોલ એન્જો ફર્નાન્ડીઝે ૮૫મી મિનિટમાં કર્યો હતો. ૯૦ મિનિટ બાદ ૯ મિનિટનો સમય મળ્યો હતો. ૯૦+૨ મિનિટમાં રાઈટ વિંગથી મેસ્સીએ આપેલા પાસથી લૌટારો માર્ટિનેજે કમાલનું હેડર લઈને બોલને ગોલપોસ્ટ સુધી પહોંચી દીધો હતો.
રવિવારે સ્પેન સામે ફાઈનલ મુકાબલો
આર્જેન્ટીના સળંગ બીજીવાર ફાઈનલમાં પહોંચ્યું છે. પાછલા વર્લ્ડકપમાં તેણે જીત મેળવી હતી. મેસ્સીનો આ અંતિમ વર્લ્ડકપ છે જેને જીતીને તે યાદગાર વિદાય લેવા માંગશે. હવે શનિવારે રાત્રે ૧૨:૩૦ મતલબ કે રવિવારે આર્જેન્ટીના-સ્પેન વચ્ચે ફાઈનલ મેચ રમાશે.
