બાંગ્લાદેશને ભારતીય બોલર નહીં, બોલથી લાગે છે ડર !
- ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં જ ખેલાડીઓ ગભરાયા
પાકિસ્તાનને તેના જ ઘરમાં ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. ટીમની આગલી પરીક્ષા ભારત સામે થવાની છે. બન્ને દેશ વચ્ચે બે ટેસ્ટ અને ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી રમવાની છે. બાંગ્લાદેશના સ્ટાર બેટર લિટન દાસે ભારત પ્રવાસ પહેલાં જ ટીમની મોટી કમજોરી ઉજાગર કરી દીધી છે. તેણે કહ્યું કે બાંગ્લાદેશી ખેલાડીઓને ભારતીય બોલરો નહીં પરંતુ ભારતીય બોલથી મોટો પડકાર રહેશે !
ભારતમાં રમાનારી શ્રેણીમાં એસજી બોલનો ઉપયોગ થાય છે જ્યારે બાંગ્લાદેશી ક્રિકેટરો સામાન્ય રીતે કૂકાબૂરા બોલથી રમે છે. બાંગ્લાદેશની ઘરેલું મેચમાં પણ કૂકાબૂરા બોલનો જ ઉપયોગ થાય છે. તેણે પાકિસ્તાન સામે પણ કૂકાબૂરા બોલથી રમીને શ્રેણી કબજે કરી હતી.
બાંગ્લાદેશી ખેલાડી લિટન દાસે કહ્યું કે ભારતમાં જે બોલનો ઉપયોગ થાય છે તે અલગ છે. એસજી બોલ વિરુદ્ધ રમવું અત્યંત કપરું છે. કૂકાબૂરા બોલ જેમ જેમ જૂનો થાય છે તેમ તેમ રમવું સરળ બની જાય છે જ્યારે એસજી બોલ જૂનો થાય એટલે તેની સામે રમવું અઘરું હોય છે !