અફઘાનિસ્તાન બાદ હવે આયર્લેન્ડ સામે હાર્યું આફ્રિકા
પહેલી વખત ટી-૨૦માં મેળવી જીત: અડાયર બ્રધર્સની કમાલ, એકે સદી તો બીજાએ ચાર વિકેટ ખેડવી
સાઉથ આફ્રિકા-આયર્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટી-૨૦માં આયર્લેન્ડે ૧૦ રને જીત મેળવી ઈતિહાસ રચી દીધો હતો. આફ્રિકા વિરુદ્ધ ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં આયર્લેન્ડ પહેલી વખત જીત્યું હતું. મુકાબલામાં આફ્રિકી ટીમને જીત માટે ૧૯૬ રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ તે નવ વિકેટે ૧૮૫ રન જ બનાવી શકી હતી.
આ જીત સાથે જ આયર્લેન્ડે બે મેચની શ્રેણી ૧-૧થી સરભર કરી હતી. આફ્રિકાએ પહેલી ટી-૨૦ મેચ ૮ વિકેટે જીતી હતી. આયર્લેન્ડની જીતના હિરો રૉસ અડાયર અને માર્ક અડાયર રહ્યા હતા. મોટા ભાઈ રોસે સદી બનાવી તો નાના માઈ માર્કે તોફાની બોલિંગ કરીને ચાર વિકેટ ખેડવી હતી.
આ મેચમાં ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં આયર્લેન્ડે ૬ વિકેટે ૧૯૫ રન બનાવ્યા હતા. ઓપનર રોસ અડાયરે ૫૮ બોલમાં ૧૦૦ રન બનાવ્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને ૯ છગ્ગા સામેલ હતા. જ્યારે કેપ્ટન પૉલ સ્ટર્લિંગે ૩૧ બોલમાં ૫૨ રન ઝૂડ્યા હતા.