અફઘાનિસ્તાને હવે દક્ષિણ આફ્રિકાનો `વારો’ કાઢ્યો : બીજી વન-ડેમાં ૧૭૭ રને હરાવી શ્રેણી પર કર્યો કબજો
સાઉથ આફ્રિકા-અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં આફ્રિકાએ ૧૭૭ રને હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનના ઓપનિંગ બેટર રહમાનુલ્લાહ ગુરબાજે શાનદાર સદી બનાવી હતી. આ સાથે જ અફઘાન ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦થી આગળ થઈ ગયું છે.
બીજી વન-ડેમાં અફઘાને ટોસ જીતી પહેલાં બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૩૧૧ રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ ૩૪.૨ ઓવરમાં ૧૩૪ રને આઉટ થઈ ગઈ હતી. હવે શ્રેણીનો ત્રીજો મુકાબલો આજે શારજાહમાં રમાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકમાત્ર ભારત જ એવી ટીમ છે જેને અફઘાનિસ્તાન હજુ સુધી હરાવી શક્યું નથી.
અફઘાન વતી ગુરબાજે ૧૧૦ બોલમાં ૧૦ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૧૦૫ રનની ઈનિંગ રમી હતી. તેણે પાંચમી વિકેટ માટે રિયાઝ હસન સાથે ૮૮ રનની ભાગીદારી કરી હતી. રિયાઝ ૨૯ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ગુરબાજે રહમત સાથે બીજી વિકેટ માટે ૧૦૧ રનની ભાગીદારી કરી હતી. રહમતે ૬૬ બોલમાં ૫૦ રન બનાવ્યા હતા. ગુરબાજે વન-ડે કરિયરની પોતાની સાતમી સદી બનાવી હતી. આફ્રિકા વતી એક પણ બેટર મોટી ઈનિંગ રમી શક્યો ન્હોતો.