હાર્દિક પંડ્યા સામે બોર્ડ કુણું કેમ છે ?
બધા માટે નિયમ સરખા હોવા જોઈએ: ઈશાન-અય્યરની તરફેણમાં આવ્યો ઈરફાન પઠાણ
ભારતીય ક્રિકેટ બોર્ડે જ્યારથી ઈશાન કિશન-શ્રેયસ અય્યરને વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી `આઉટ’ કર્યા છે ત્યારથી ક્રિકેટજગતમાં વિવાદ શરૂ થઈ ગયો છે. આ બન્ને પાસેથી કોન્ટ્રાક્ટ શા માટે છીનવાયો તેને લઈને કોઈ સ્પષ્ટતા થઈ રહી નથી ત્યારે આ બધાની વચ્ચે પૂર્વ દિગ્ગજ ઑલરાઉન્ડર ઈરફાન પઠાણ આ બન્નેના પક્ષમાં આવી ગયો છે સાથે સાથે અણીયાળા સવાલો પણ ઉઠાવ્યા છે.
ઈરફાન પઠાણે ટવીટ કરીને સવાલો ઉઠાવ્યા છે. તેણે બન્નેની તુલના હાર્દિક પંડ્યા સાથે કરી છે. તેણે લખ્યું કે શ્રેયસ અય્યર અને ઈશાન કિશન બન્ને પ્રતિભાશાળી ક્રિકેટર છે. આશા છે કે તેઓ ઝડપથી વાપસી કરશે. જો હાર્દિક પંડ્યા રેડ બોલ ક્રિકેટ રમવા નથી માંગતો તાો પછી શું તેણે અને બીજાએ વ્હાઈટ બોલ ઘરેલું ટૂર્નામેન્ટ ન રમવી જોઈએ ? ખાસ કરીને જ્યારે તેઓ ભારતીય ટીમનો હિસ્સો ન હોય ત્યારે શા માટે વ્હાઈટ બોલ ક્રિકેટ ન રમે ? જો આ નિયમ બધા માટે સરખો નહીં હોય તો પછી ભારત ધાર્યું પરિણામ હાંસલ કરી શકશે નહીં.
સ્પષ્ટ છે કે ઈરફાન આ ટવીટ થકી બીસીસીઆઈના બેવડા માપદંડની વાત કરી રહ્યો છે. એક યુઝર્સે લખ્યું કે હાર્દિક પંડ્યા માટે અલગ નિયમ લાગુ છે.
ઉલ્લેખનીય છે કે ઈશાન-અય્યર પાસેથી કોન્ટ્રાક્ટ રણજી ટ્રોફીમાં ન રમવા બદલ છીનવાયો તેવી વાત સામે આવી રહી છે. આ માટે જ બોર્ડે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરી હોય તેવું બની શકે છે.