વર્લ્ડકપ સેમિફાઈનલ: આફ્રિકા V/S અફઘાન, ભારત V/S ઈંગ્લેન્ડ
કાલે સવારે ૬ વાગ્યે પ્રથમ સેમિફાઈનલ: રાત્રે ૮ વાગ્યે ભારત સામે ઈંગ્લેન્ડની ટક્કર
૨૦૨૨ના સેમિ.માં ઈંગ્લેન્ડને ભારતને હરાવ્યું’તું
ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪ની ટોપ-૪ ટીમ નક્કી થઈ ચૂકી છે. ભારત ઉપરાંત આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાને સેમિફાઈનલમાં એન્ટ્રી મેળવી છે. ગ્રુપ-૧માં સેમિફાઈનલની બીજી જગ્યા માટે અત્યંત રોમાંચક જંગ હતો. એક જગ્યા માટે ત્રણ-ત્રણ ટીમ વચ્ચે કાંટે કી ટક્કર હતી પરંતુ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ઑસ્ટે્રલિયાનું સ્વપ્ન પણ તોડી નાખ્યું હતું.
પહેલો સેમિફાઈનલ મુકાબલો આવતીકાલે સવારે ૬ વાગ્યે આફ્રિકા-અફઘાનિસ્તાન વચ્ચે ટ્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમ પર રમાશે. આ જ દિવસે રાત્રે ૮ વાગ્યે બીજો સેમિફાઈનલ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રાત્રે ૮ વાગ્યે રમાશે. આ મેચ પ્રોવિડેન્સ-ગુયાનામાં રમાશે. ૨૦૨૨માં પાછલા ટી-૨૦ વર્લ્ડકપમાં પણ ભારતની ટક્કર સેમિફાઈનલમાં થઈ હતી ત્યારે ઈંગ્લેન્ડે એડિલેડ ઓવલમાં રમાયેલી એ એકતરફી મેચમાં ભારતને ૧૦ વિકેટે હરાવ્યું હતું.
વિષમતાથી સફળતા સુધીની સફરમાં પોતાના ક્રિકેટ ઈતિહાસનું સૌથી સોનેરી પાનું લખતાં અફઘાને ટી-૨૦ વર્લ્ડકપ સુપર-૮ રાઉન્ડ મેચમાં ડકવર્થ લૂઈસ સિસ્ટમથી બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવી પહેલી વખત સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જેવો નવીન ઉલ હક્કે ૧૮મી ઓવરના ચોથા બોલે તસ્કીન અહમદની વિકેટ લીધી તેના સાથી ખેલાડીઓથી લઈને સ્ટેડિયમમાં રહેલા સમર્થકોની આંખો ભરાઈ આવી હતી. કેરેબિયન ધરતીથી લઈ કાબૂલ સુધી ક્રિકેટપ્રેમિઓને ભાવવિભોર કરી દેનારી ઉપલબ્ધીનો કયાસ ક્રિકેટ પંડિત પણ લગાવી શક્યા ન્હોતા.