ભારતે શસ્ત્ર સહાય કરી હોવાનો ઇઝરાયેલના પૂર્વ રાજદૂતનો ધડાકો
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ભારતે ઇઝરાયેલને શસ્ત્રની સહાય કરી હોવાના બિનસત્તાવાર અહેવાલો વચ્ચે ઇઝરાયેલના ભારત ખાતેના ભૂતપૂર્વ રાજદૂત ડેનિયલ કેરમોને કહ્યું હતું કે કારગિલ યુદ્ધ સમયે ઇઝરાયેલે ભારતને કરેલી મદદનું ઋણ ઉતારવા માટે ભારતે ઇઝરાયેલને શસ્ત્રો આપ્યા હોય તે શક્ય છે.
એક ન્યુઝ ચેનલ સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે 1999 ના કારગિલ યુદ્ધ સમયે ઇઝરાયેલે ભારતને આધુનિક શસ્ત્રોની સહાય કરી હતી અને ભારત આ ઉપકાર કદી ભૂલ્યું નહોતું.અત્રે નોંધનીય છે કે ભારત સત્તાવાર રીતે પેલેસ્ટાઇનને સમર્થન આપે છે ત્યારે આ યુદ્ધમાં ભારતે ઇઝરાયેલને શસ્ત્ર સહાય કરી હોવાના ફેબ્રુઆરી મહિનામાં વહેતા થયેલા અહેવાલોને કારણે વિવાદ થયો હતો.
ભારતે હૈદરાબાદ ખાતેની ફેક્ટરીમાં તૈયાર થયેલા એડવાન્સ હર્મેસ 900 ડ્રોન ઈઝરાયેલને આપ્યા હોવાના એ સમયે પ્રસાર માધ્યમોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. હૈદરાબાદ થી આ ફેક્ટરી પણ ઇઝરાયેલ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. નોંધનીય છે કે મે મહિનામાં ચેન્નાઈ થી 27 ટન લશ્કરી સરંજામ ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેનના બંદર ખાતે રોકવામાં આવ્યું હતું. ઇઝરાયેલના પૂર્વ રાજદુતે કરેલા આ નિવેદનનો ભારત તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો ન હતો