વર્લ્ડકપ પહેલાં રોહિત-કોહલીની ટી-૨૦માં રમવાની આશા ધૂંધળી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર કેપ્ટન રોહિત શર્માએ અનેક વર્ષોથી આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ રમી નથી. અહેવાલ તો એવા છે કે આવતા વર્ષે રમાનારા ટી-૨૦ વર્લ્ડકપમાં તેને કમાન સોંપાઈ શકે છે. રોહિતે નવેમ્બર-૨૦૨૨માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટી-૨૦ મુકાબલો વર્લ્ડકપ દરમિયાન રમ્યો હતો. બે વર્ષથી રોહિત આ ફોર્મેટમાં ભારત વતી રમી રહ્યો નથી. ત્યારથી હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ ટીમની કમાન સંભાળી રહ્યા છે.
ટીવી ટુડેના અહેવાલ પ્રમાણે આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં ભારતીય ટીમ જે એક શ્રેણી રમવાની છે તેમાં પણ રોહિતની વાપસી થઈ રહી નથી. અફઘાન વિરુદ્ધ એકમાત્ર શ્રેણી છે જેમાં ભારતે રમવાનું છે. ત્રણ મેચની આ શ્રેણી માટે પસંદ થનારી ટીમમાં રોહિત-કોહલીને સામેલ કરવામાં આવશે નહીં. આવતાં વર્ષે ૧૧, ૧૪, ૧૭ જાન્યુઆરીએ ત્રણ ટી-૨૦ મુકાબલામાં અફઘાનની ટીમ રમશે. ભારતીય ટીમના સીનિયર ખેલાડીઓને પસંદગીકારોએ ટી-૨૦ ફોર્મેટથી બહાર રાખ્યા છે. પાછલી અનેક શ્રેણીઓથી યુવા ખેલાડીઓને જ તક આપવામાં આવી રહી છે.