ડેવિડ વૉર્નર સાથે થઈ ગયો `ખેલ’ !
IPL વચ્ચે જ મળ્યા બેડન્યુઝ: પોતાના દેશે કરી નાખ્યો રસ્તો
ક્રિકેટ ઓસ્ટે્રલિયા (સીએ)એ ૨૦૨૪-૨૫ માટે પોતાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું એલાન કર્યું અને તેમાં આઈપીએલ-૨૦૨૪માં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહેલા ઓપનર ડેવિડ વૉર્નરને સામેલ કરવામાં આવ્યો નથી. માત્ર વોર્નર જ નહીં આ વખતે સીએએ પોતાના કરારમાં એસ્ટન એગર અને માર્કસ સ્ટોઈનિસ જેવા ખેલાડીઓને પણ બહાર રાખ્યા છે. ડેવિડ વોર્નરે થોડા દિવસ પહેલાં જ વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો પરંતુ તે ટી-૨૦ ક્રિકેટ રમી રહ્યો છે. તેના ઉપરાંત માર્કસ હેરિસ અને માઈકલ નેસરને પણ કોન્ટ્રાક્ટમાંથી પડતા મુકાયા છે.
ઓસ્ટે્રલિયા આવનારા સમયમાં ઘણું ક્રિકેટ રમશે અને આ ટીમ સામે એક વ્યસ્ત સીઝન છે જેમાં જૂનમાં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપ ઉપરાંત વર્ષના અંતમાં ભારત વિરુદ્ધ ઘરેલું ટેસ્ટ શ્રેણી પણ રમવાની છે. જો કે વોર્નરને કોન્ટ્રાક્ટમાંથી પડતો મુકાવાનું કારણ સમજી શકાય તેવું છે કેમ કે તે ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ બાદ ક્રિકેટમાંથી સંપૂર્ણ રીતે સંન્યાસ લેવાની યોજના બનાવી રહ્યો છે પરંતુ સ્ટોઈનિસ ટીમનો સારો ઓલરાઉન્ડર છે એટલા માટે તેને બહાર કરવો ચોંકાવનારો નિર્ણય છે. પીઠની ઈજાને કારણે તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ પ્રવાસનો હિસ્સો નહીં બનનારો સ્ટોઈનિસ અત્યારે આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટસ માટે રમી રહ્યો છે.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં આ વખતે ફાસ્ટ બોલર જેવિયર બાર્ટલેટ અને નાથન એલિસને સામેલ કરાયા છે. આ ઉપરાંત મેટ શોર્ટ અને આરોન હાર્ડીને પણ કોન્ટ્રાક્ટ મળ્યો છે.