ટેસ્ટ મેચમાં એક જ દિ’માં પડી ૧૭ વિકેટ
વિન્ડિઝ-આફ્રિકા મેચમાં બોલરો બન્યા કાળ: ૧૦ નંબરનો બેટર બન્યો ટોપ સ્કોરર !
ક્રિકેટ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ટી-૨૦ અને ટી-૧૦નો દબદબો વધી રહ્યો છે. ચોગ્ગા-છગ્ગાના વરસાદમાં ટેસ્ટ ક્રિકેટના દર્શકો ઘટી ગયા છે. આ બધા વચ્ચે દક્ષિણ આફ્રિકા અને વિન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે જેમાં રનનો નહીં બલ્કે વિકેટનો ઢગલો થયો હતો. એક ટીમે માંડ માંડ ૧૦૦નો સ્કોર પાર કર્યો તો બીજીની હાલત પણ કંઈક એવી જ છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ અત્યારે વિન્ડિઝ પ્રવાસે છે. બન્ને ટીમ વચ્ચે ૧૫ ઑગસ્ટથી શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં બોલરોનો દબદબો રહ્યો હતો. આફ્રિકી ટીમ મેચના પ્રથમ દિવસે પહેલાં બેટિંગ કરવા ઉતરી પરંતુ તેની ઈનિંગ ૧૬૦ રનથી આગળ વધી શકી ન્હોતી. આફ્રિકા ઉપર એક સમયે ૧૦૦ રને સંકેલાઈ જવાનો ખતરો મંડરાઈ રહ્યો હતો પરંતુ ૧૦મા અને ૧૧મા નંબરના બેટરોએ ૬૩ રનની ભાગીદારી કરી હતી.
એક સમયે આફ્રિકાએ ૯૭ રને ૯ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ડેન પિએટ અને નેન્ડે્ર બર્ગરે શ્રેષ્ઠ બેટિંગ કરી પોતાની ટીમને ૧૬૦ રન સુધી પહોંચાડી હતી. પિએટે ૩૮ અને બર્ગરે ૨૩ રન બનાવ્યા હતા.
જવાબમાં વિન્ડિઝની ટીમની હાલત પણ ખરાબ થઈ જવા પામી હતી અને તેણે પણ ૯૭ રને ૭ વિકેટ ગુમાવી દીધી હતી.