- આસામમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટનું કાવતરું
- બળવાખોર સંગઠને ઇ મેઇલ દ્વારા જાણ કરી હતી.
15 મી ઓગસ્ટે આસામના પ્રતિબંધિત બળવાખોર સંગઠન ઉલ્ફા ઇન્ડીપેન્ડન્ટ દ્વારા રાજધાની ગુવાહાટીમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન અને સચિવાલય નજીક ના સ્થળ સહિત 24 સ્થળે બોમ્બ ગોઠવ્યાની કેટલાક અખબારોને ઇ મેઇલ દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ ભારે ગભરાટનો માહોલ છવાયો હતો.તુરત જ એકશનમાં આવી ગયેલા સુરક્ષા દળો એ કરેલી તપાસ દરમિયાન કેટલાક સ્થળોએથી ‘ સંદિગ્ધ પદાર્થો ‘, મળી આવ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર ટેકનિકલ ખામીને કારણે વિસ્ફોટ ન થતા એક ભયંકર આતંકવાદી હુમલાનું કાવતરું સદભાગ્યે નિષ્ફળ ગયું હતું.
આ જૂથે સવારે 6 થી 12 વચ્ચે બોમ્બ વિસ્ફોટ થવાની ચેતવણી આપી હતી.સાથે જ સુરક્ષા દળો બોમ્બ ને ડીફ્યુઝ ન કરે ત્યાં સુધી લોકોને સહકાર આપવા વિનંતી કરી હતી જેથી સંગઠનનો ઇરાદો જાનહાનિ કરવાનો નહી પણ સરકારને ચેતવણી આપવાનો અને ગભરાટ ફેલાવવાનો હતો તેવું તારણ નીકળ્યું છે.
ગુવાહાટીમાં મુખ્યમંત્રી હિમતા બિસ્વા સરમાએ ત્રિરંગો લહેરાવ્યો તે પછી તુરત જ બળવાખોર સંગઠને આપેલી ચેતવણી બાદ સુરક્ષા દળોએ સઘન તપાસ હાથ ધરી હતી અને તે દરમિયાન એ સંગઠને દર્શાવેલા સ્થળોએથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી.
આસામના ડીજીપી જી.પી.સિંઘ ના જણાવ્યા અનુસરવા ગુવાહાટી અને લખીમપુરમાં બે જગ્યાએથી ઉપરાંત સિવસાગર, નાલબારી અને નગાઓન જિલ્લાઓમાંથી સંદિગ્ધ પદાર્થો મળી આવ્યા હતા જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.ઉગ્રવાદી
સંગઠને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો સશસ્ત્ર વિરોધ કરવા માટે આ વિસ્ફોટકો ગોઠવ્યા હોવાનો દાવો કર્યો હતો.
મુખ્યમંત્રીએ વિકાસ યાત્રા ન અવરોધો સંગઠનના વડાને અપીલ કરી
આ ઘટના બાદ મુખ્યમંત્રી સરમાએ બળવાખોર સંગઠનના વડા પરેશ બરૂહાને આસામની વિકાસયાત્રા ન અવરોધવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે દાયકાઓની અશાંતિ બાદ આસામ વિકાસના માર્ગ પર છે. ટાટા ગ્રુપ સહિત અનેક ઔદ્યોગિક જૂથો આસામમાં આર્થિક રોકાણ કરવા માટે આગળ આવ્યા છે. ત્યારે આવી ઘટનાઓ થકી આસામમાં આર્થિક રોકાણની સંભાવનાઓ ને હાનિ પહોંચે તેવું કોઈ કૃત્ય ન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે આસામમાં 14 લાખ બેરોજગાર યુવાનો છે અને જો ઔદ્યોગિક વિકાસ નહીં થાય તો આ યુવાનો આંધ્ર અને કર્ણાટકમાં ચોકીદારો તરીકે નોકરી કરવા મજબૂર બનશે.
ઘણા વર્ષો પછી સ્વાતંત્ર્ય પર્વ પર અશાંતિ ફેલાવવાનો પ્રયાસ
અલગ આસમ ની માંગણી સાથે 1979 માં ઉલ્ફાની સ્થાપના થઈ હતી. તેમાંથી થોડા મહિના પહેલા એ સંગઠનના પૂર્વ પ્રમુખ અરવિંદ રાજકોમાએ સરકાર સાથે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા પણ પરેશ બરુહા ના નેતૃત્વ વાળી ઉલ્ફા ઇન્ડિપેન્ડન્ટ ની પાંખે એ સમજૂતી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ સ્વાતંત્ર પર્વ અને પ્રજાસત્તાક દિવસે ઉલ્ફા દ્વારા આસામમાં વિસ્ફોટોની અનેક ઘટનાઓ બની હતી. જોકે સુરક્ષા વ્યવસ્થા સઘન થયા બાદ બળવાખોર સંગઠનો નબળાં પડ્યા હતા. આ વખતે 15 મી ઓગસ્ટે ફરી એક વખત વિસ્ફોટકો ગોઠવીને એ સંગઠને પોતે સક્રિય હોવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.