ઑલિમ્પિકમાંથી કોઈ હારીને નથી આવ્યું, બધા શીખીને આવ્યા છે
વડાપ્રધાને તમામ ખેલાડીઓ સાથે કરી મુલાકાત: ૨૦૩૬માં દુનિયા આખી જોઈ રહે તેવા ઑલિમ્પિકનું આયોજન કરશે ભારખેલાડીઓને મોબાઈલ પાછળ સમય ન વેડફવા આપી સલાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પેરિસ ઓલિમ્પિક ખેલાડીઓને મળ્યા તો તેમનું અલગ જ સ્વરૂપ જોવા મળ્યું હતું. પોતાના ભાષણથી વિરોધીઓને પરાસ્ત કરી દેનારા વડાપ્રધાન મોદીએ ખેલાડીઓને ભરપેટ હસાવ્યા હતા. તેમણે ખેલાડીઓને ગળે લગાવ્યા, તેમના નીકનેમ પૂછયા, મોબાઈલ પર સમય ખરાબ ન કરવાની સલાહ આપી હતી. સાથે જ કહ્યું કે ઓલિમ્પિકમાં કોઈ હારીને નથી આવ્યું, તમામ ખેલાડીઓ કંઈને કંઈ શીખીને આવ્યા છે.
વડાપ્રધાને લગભગ દરેક ખેલાડી સાથે વાતચીત કરી હતી. જેમણે મેડલ જીત્યા અથવા તો ચૂકી ગયા તેમને શુભકામના પણ પાઠવી હતી. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર થયેલા વીડિયોમાં નરેન્દ્ર મોદી પોતાની વાતચીતની શરૂઆત એ સવાલથી કરી રહ્યા છે કે કોણ કોણ હારીને આવ્યું છે. અમુક ખેલાડીઓએ જ્યારે હાથ ઉંચાકર્યા ત્યારે તેમણે કહ્યું કે કોઈ હારીને નથી આવ્યું. તમે શીખીને આવ્યા છો. રમત એ ક્ષેત્ર છે જેમાં તમે હારતા નથી પરંતુ શીખો છો.
મોદીએ હોકીની રમતમાંથી નિવૃત્ત થયેલા પી.આર.શ્રીજેશને સંન્યાસ અંગે પૂછયું હતું કે આ નિર્ણય તમે પહેલાં જ લઈ લીધો હતો કે મેડલ મળ્યા બાદ લીધો ? જ્યારે મોદીએ હૉકી ટીમના કેપ્ટન હરમનપ્રિત સિંહ સાથે વાત કરી તો તેને `સરપંચ’ કહીને સંબોધન કર્યું હતું.
મોદીએ કહ્યું કે તમે મને મળવા આવ્યા છો તો તમને હું ખાલી હાથે જવા દઈશ નહીં. હું તમને એક જવાબદારી સોપું છું. આજે એક પેડ મા કે નામ અભિયાન ચાલી રહ્યું છે એટલે તમે બધા તેમાં જોડાશો. જો મા નથી તો તેની તસવીર લઈને જાવ અને વૃક્ષનું વાવેતર કરજો. સાથે જ ખેડૂતોને કેમિકલ ફ્રી ખેતી કરવાનો મેસેજ પણ આપજો.