ઈંગ્લેન્ડ સામે હેડે લાવ્યું ચોગ્ગા-છગ્ગાનું તોફાન
પહેલી વન-ડેમાં ૩૧૬ રનના લક્ષ્યાંકને છ ઓવર બાકી રાખી હાંસલ કરતું ઑસ્ટે્રલિયા: હેડે ૧૨૯ બોલમાં ઝૂડ્યા અણનમ ૧૫૪ રન
વર્લ્ડ ચેમ્પિયન ઑસ્ટે્રલિયાનો વન-ડેમાં દબદબો યથાવત છે. ઑસ્ટે્રલિયાએ પહેલી વન-ડેમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણીમાં ૧-૦થી લીડ લઈ લીધી હતી. ઑસ્ટે્રલિયાની વન-ડેમાં આ સળંગ ૧૩મી જીત છે. તેને આ જીત અપાવવામાં વિસ્ફોટક ઓપનર ટે્રવિસ હેડ અને માર્નસ લાબુશેને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હેડે ૧૫૪ રનની અણનમ ઈનિંગ રમી હતી. લાબુશેને બોલિંગમાં ત્રણ વિકેટ અને અણનમ ૭૭ રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ તરફથી અપાયેલા ૩૧૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઑસ્ટે્રલિયાએ છ ઓવર બાકી રાખીને ત્રણ વિકેટના નુકસાને ૩૧૭ રન બનાવ્યા હતા. ટે્રવિસ હેડ ૧૨૯ બોલમાં અણનમ ૧૫૪ રન બનાવ્યા જેમાં ૨૦ ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા જ્યારે લાબુશેને ૬૧ બોલમાં ૭૭ રનની ઈનિંગ રમી હતી. તેણે સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ બન્નેએ ચોથી વિકેટ માટે ૧૪૮ રનની ભાગીદારી કરી હતી.
ઈંગ્લેન્ડ વતી બેટિંગમાં બેન ડકેટે ૯૫ અને વિલ જેક્સે ૬૨ રનની બનાવી ઈંગ્લેન્ડને ૩૧૫ રન સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.