આજથી પેરિસ ઑલિમ્પિક: ભારતના મેડલની સંખ્યા ત્રણ ગણી થવાના સંકેત
પાછલી ઑલિમ્પિકમાં ભારતે ૭ મેડલથી માનવો પડ્યો’તો સંતોષ
આ વખતે શૂટિંગ ઉપરાંત બેડમિન્ટન, વેઈટ લિફ્ટિંગ, બૉક્સિંગ, તીરંદાજી, ટેબલ ટેનિસ સહિતની રમતોમાં ભારતનું પલડું ભાર ૧૧૭ ખેલાડીમાંથી ૬૯ ખેલાડી માત્ર શૂટિંગ, એથ્લેટિક્સ, હૉકીમાં ભાગ લેશે
દુનિયાના સૌથી મોટા રમત મહાકુંભ પેરિસ ઑલિમ્પિકનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજથી શરૂ થઈને ૧૧ ઑગસ્ટ સુધી અલગ-અલગ રમતો રમાશે. ભારતે આ રમતોત્સવ માટે ૧૧૭ ખેલાડીઓની ટુકડી મોકલી છે આવામાં ભારત કેટલા મેડલ જીતે છે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે. ભારતના ૧૧૭ ખેલાડીઓની ટીમમાં ત્રણ રમત એથ્લેટિક્સ (૨૯ ખેલાડી), શૂટિંગ (૨૧ ખેલાડી) અને હૉકી (૧૯ ખેલાડી)ના અડધા ખેલાડી સમાવિષ્ટ છે. આ ૬૯ ખેલાડીઓમાંથી ૪૦ પહેલી વખત ઑલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે.
ભારતે ઑલિમ્પિકમાં અત્યાર સુધી કુલ ૩૫ મેડલ જીત્યા છે જેમાં શૂટિંગમાં અભિનવ બિંદ્રા (૨૦૦૮) અને નીરજ ચોપડા (૨૦૨૧) જ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતી શક્યા છે. ભારતે ટૉક્યો ઑલિમ્પિકમાં ૭ મેડલ જીત્યા હતા જે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આવામાં સવાલ એ છે કે શું ભારત આ વખતે પાછલા ઑલિમ્પિક કરતા શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશે ? શું આ વખતે ભારતના મેડલની સંખ્યા બમણી થઈ શકશે ? જો કે આ વખતે ભારત અનેક રમતોમાં ભાગ લઈ રહ્યું હોવાથી મેડલ વધવાની શક્યતા પ્રબળ છે.
આ વખતે શૂટિંગમાં મનુ ભાકરને મેડલ માટે દાવેદાર ગણવામાં આવી રહી છે. આ ઉપરાંત સિફ્ત કૌર સામરાથી પણ ગોલ્ડની અપેક્ષા છે. જ્યારે મીક્સ્ડ ટીમમાં સંદીપસિંહ-એલાવેનિલ વલારિવન, અર્જુન બબૂતા-રમિતા જિંદલ સિલ્વર અથવા બ્રોન્ઝ મેડલ જીતી શકે છે તો એશ્વર્ય પ્રતાપસિંહ તોમર પાસેથી પણ મેડલની આશા રહેશે.
આ ઉપરાંત બેડમિન્ટનમાં ચાર મેડલ, વેઈટલિફ્ટિંગમાં એક ગોલ્ડ સહિત ચાર, બોક્સિંગમાં એક, કુશ્તીમાં એક ગોલ્ડ સહિત બે, એથ્લેટિક્સમાં બે, હૉકીમાં એક તો તીરંદાજી, ટેબલ ટેનિસમાં એક-એક મેડલની શક્યતા રહેલી છે.