અશ્વિને ૫૦૦મો શિકાર કરી કુંબલેનો તોડ્યો રેકોર્ડ
કુંબલેએ ૧૮૬ ઈનિંગમાં ૫૦૦ વિકેટ ખેડવી હતી જેની સામે અશ્વિને ૧૮૪ ઈનિંગમાં જ કરી કમાલ: ૨૫૭૧૪ દડામાં ખેડવી ૫૦૦મી વિકેટ
ભારતના દિગ્ગજ ઑફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. અશ્વિને રાજકોટમાં રમાઈ રહેલી ટેસ્ટમાં કરિયરની ૫૦૦મી વિકેટ પૂરી કરી છે. ભારત માટે ૫૦૦ અથવા તેથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બન્યો છે. તેના પહેલાં આ કારનામું ભારત માટે અનિલ કુંબલેએ કર્યું હતું. ૫૦૦ અથવા તેનાથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો અશ્વિન દુનિયાનો નવમો ખેલાડી બન્યો છે. અશ્વિન સૌથી ઓછી ઈનિંગમાં ૫૦૦ વિકેટ લેનારો દુનિયાનો બીજો બોલર બન્યો છે.
શ્રીલંકાના સ્પીનર મુથૈયા મુરલીધરને ૧૪૪ ઈનિંગમાં આ ઉપલબ્ધી હાંસલ કરી હતી જ્યારે અશ્વિને ૧૮૪ ઈનિંગમાં આ કમાલ કરી છે. જો કે તેણે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. કુંબલેએ આ કામ ૧૮૬ ઈનિંગમાં કર્યું હતું જ્યારે ૫૦૦ વિકેટ સુધી પહોંચવામાં શેન વૉર્નને ૨૦૧ ઈનિંગ લાગી હતી તો ગ્લેન મેકગ્રાએ ૨૧૪ ઈનિંગમાં ૫૦૦ વિકેટ ખેડવી હતી.
અશ્વિને રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના ઓપનર જૈક ક્રાઉલીને આઉટ કરી ૫૦૦મી વિકેટ મેળવી હતી. એટલું જ નહીં સૌથી ઓછા દડામાં ૫૦૦ વિકેટ લેનારો અશ્વિન બીજો બોલર બન્યો છે. તેણે ૨૫૭૧૪ બોલમાં ૫૦૦ વિકેટ ખેડવી છે જ્યારે પ્રથમ ક્રમે રહેલા મૈકગ્રાએ ૨૫૫૨૮ દડામાં ૫૦૦ વિકેટ મેળવી છે.