દુષ્કર્મના આરોપીને છોડી મૂકનાર જજને સુપ્રીમ કોર્ટે મૂર્ખ ગણાવ્યા
અંતે 35 વર્ષ બાદ આરોપીને 10 વર્ષની સજા
ગુજરાતમાં 35 વર્ષ પહેલા દસ વર્ષની એક બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને જે તે સમયે નિર્દોષ છોડી મૂકવા બદલ ટ્રાયલ કોર્ટના તત્કાલીન જજને સુપ્રીમ કોર્ટે મૂર્ખ ગણાવ્યા હતા અનેઆ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આપેલી દસ વર્ષની સજા યથાવત રાખી હતી.
વિગત એવી છે કે 1990 માં એક નરાધમે દસ વર્ષની બાળકીને ખેતરમાં ઢસડી જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
તે અંગેનો કેસ અમદાવાદ ગ્રામીણ કોર્ટમાં ચાલી જતા એડિશનલ સેશન જજે એફઆઇઆર નોંધવામાં 48 કલાકનો વિલંબ થયો હોવાનું જણાવ્યું આરોપીને નિર્દોષ છોડી મૂક્યો હતો. એ ચુકાદા સામે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ 30 વર્ષ સુધી એ કેસ પેન્ડિંગ રહ્યો હતો.
અંતે 14 નવેમ્બર 2020 ના રોજ ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો રદ કરી આરોપીને દસ વર્ષની સજા ફટકારી હતી. આરોપીએ એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તે કેસનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને એન કોટિશ્વર સિંહે ટ્રાયલ કોર્ટના ચુકાદા ની આકરી ટીકા કરી હતી. અદાલતે કહ્યું ,”અમે જાણવા માગીએ છીએ કે કયા મૂર્ખ જજે ડોક્ટર અને પીડિતાના નિવેદનને પણ ધ્યાનમાં ન લીધા અને ફોરેસ્ટિક સાયન્સ લેબના રિપોર્ટ પછી પણ આરોપીને છોડી મૂક્યો.” સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો ચુકાદો યથાવત રાખી આરોપીને સરેન્ડર થવાનો આદેશ કર્યો હતો. નોંધનીય છે કે ગુનો બન્યો ત્યારે આરોપીની ઉંમર 21 વર્ષની હતી અને હવે 56 વર્ષની વયે તેણે 10 વર્ષ જેલમાં વિતાવવા પડશે.