અશ્વિનની સદી એક, રેકોર્ડ તૂટ્યા અનેક
કરિયરની છઠ્ઠી સદી બનાવી ધોની-પટોડીની બરાબરી કરી: છગ્ગા મામલે યુવરાજ, પુજારા, દ્રવિડ, શાસ્ત્રીને પાછળ છોડ્યા
ભારતના દિગ્ગજ સ્પિનર આર.અશ્વિને ચેન્નાઈ ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર સદી બનાવી હતી. આ સદીથી તેણે ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી સાથે સાથે અનેક રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા. તેણે ટેસ્ટમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ બનાવેલી સદીની બરાબરી કરી હતી સાથે સાથે રવિ શાસ્ત્રી, રાહુલ દ્રવિડ અને યુવરાજ સિંહને પણ ટેસ્ટ ફોર્મેટમાં છગ્ગા લગાવવાના મામલે પાછળ છોડ્યા હતા. એટલું જ નહીં હવે પાકિસ્તાનનો બાબર આઝમ જ અશ્વિન કરતા આગળ છે. પાક.ના વિકેટકિપર-બેટર મોહમ્મદ રિઝવાન, સઉદ શકીલ, શાન મસૂદ પણ અશ્વિનથી પાછળ છે.
અશ્વિને આઠમા નંબરે બેટિંગ કરીને પોતાના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી બનાવી હતી. તેણે ટેસ્ટમાં મંસૂર અલીખાન પટોડી અને ધોનીની બરાબરી કરી લીધી છે જેમણે ૬-૬ સદી બનાવી હતી. અશ્વિને પોતાની ઈનિંગ દરમિયાન બે છગ્ગા લગાવ્યા હતા જેથી હવે તેના નામે કુલ ૨૩ છગ્ગા થઈ ગયા છે. અત્યાર સુધી યુવરાજે પોતાના ટેસ્ટ કરિયરમાં ૨૨, દ્રવિડે, ૨૧, રવિ શાસ્ત્રીએ ૨૨ અને પુજારાએ ૧૬ છગ્ગા લગાવ્યા છે.
અશ્વિન દુનિયાનો પ્રથમ એવો ઑલરાઉન્ડર છે જેના નામે ટેસ્ટ ક્રિકેટમાં ૬ સદી અને ૫૦૦થી વધુ વિકેટ છે. એટલું જ નહીં તે આઠમા નંબર અથવા નીચલા ક્રમે બેટિંગ કરીને સૌથી વધુ સદી બનાવનારો બીજો બેટર બની ગયો છે. તેનાથી આગળ પાંચ સદી સાથે ન્યુઝીલેન્ડનો પૂર્વ ઑલરાઉન્ડર ડેનિયલ વિટ્ટોરી છે.