સામે કેમ જુએ છે, પાંચ-પચ્ચીસ માગે છો ? કહી કોન્ટ્રાક્ટર પાસેથી ૨.૮૯ લાખની લૂંટ
શહેરમાં સામાન્ય બાબતે મારામારી, અપહરણ, લૂંટના બનાવો રોજિંદા બની જતાં કાયદાનો `પાઠ’ ભણાવવો જરૂરી
રાજકોટમાં નાની-નાની વાતોમાં હથિયારો સાથે હુમલો કરવો, બેફામ માર મારવો, લૂંટ કરી લેવી, અપહરણ સહિતના બનાવો રોજિંદા બની ગયા હોય લોકોમાં ગજબ ફફડાટ જોવા મળી રહ્યો છે. આવો જ એક બનાવ યુનિવર્સિટી રોડ પર એફએસએલની કચેરી પાસે બની જવા પામ્યો છે જ્યાં સામે જોવા જેવી બાબતે એસ.ટી.વર્કશોપના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી ૨.૮૯ લાખની લૂંટનો બનાવ બનતાં પોલીસે બેને દબોચી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સહકારનગર મેઈન રોડ ઉપર રહેતા જીત ઉત્તમભાઈ વાઘેલાએ જણાવ્યું કે બેસતાં વર્ષે યુનિવર્સિટી રોડ ઉપર માતાજીના મઢ પર દર્શન કરવા ગયો હતો.
દર્શન કર્યા બાદ તે તેના મીત્ર મિહિર સાથે પાનની દુકાનો ઉભો હોય બરાબર ત્યારે જ સામે ચાર છોકરા ઉભા હતા જેમાંથી એકે ધસી આવી મારી સામે કેમ જુએ છે, પાંચ-પચ્ચીસ માંગે છો ? તેમ કહી ધમકાવાનું શરૂ કર્યું હતું. આ પછી તેની સાથે રહેલા ત્રણ શખ્સોએ પણ ત્યાં દોડી આવ્યા હતા અને જીતને મારવાનું શરૂ કરી દીધું હતું. આટલું બન્યા બાદ ચારેયે જીત અને તેના મીત્ર મિહીિરનું અપહરણ કરીને બન્નેને સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં લઈ જઈ છરી બતાવીને સોનાનો ચેઈન, રોકડ સહિતની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત ૬૦૦૦નું ગૂગલ-પે કરાવ્યું હતું.
આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ આરોપીઓએ ઉતારી લીધો હતો. આ ઘટના બનતાં જ પોલીસે ચાર પૈકીના રાહુલ બોરીચા અને કરણ પરમાર નામના ટપોરીઓને દબોચી લઈ તેમની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.