જૂના એરપોર્ટની જમીનનું શું કરવું ? ક્નસલ્ટન્ટની ‘સલાહ’ લેવાશે
શહેરની વચ્ચોવચ્ચ ૨૩૬ જમીનને લીઝ પર આપવી કે વેચવી તેનો ક્નસલ્ટન્ટ રિપોર્ટ આપે એટલે તુરંતમાં શરૂ થશે કાર્યવાહી: એરપોર્ટ ઓથોરિટીએ ક્નસલ્ટન્ટ નીમવા ટેન્ડર બહાર પાડ્યું
રાજકોટથી ૩૨ કિલોમીટર દૂર હિરાસર ગામે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થઈ ગયું છે. આખું એરપોર્ટ હિરાસર સ્થળાંતર થઈ ગયા બાદ જૂના એરપોર્ટની જમીનનું શું થશે તેવો સવાલ લગભગ દરરોજ લોકમુખે સાંભળવા મળી રહ્યો હતો. ૧૦ સપ્ટેમ્બરથી નવું એરપોર્ટ શરૂ થયા બાદ જૂનું એરપોર્ટ સૂમસામ ભાસી રહ્યું છે કેમ કે હવે અહીં એક પણ પ્લેનની અવર-જવર થઈ રહી નથી. ૨૩૬ એકર જમીન ધરાવતું જૂના એરપોર્ટની જમીન અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ જવાની શક્યતા છે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ આ જમીનનું શું કરવું જોઈએ તેના માટે ક્નસલ્ટન્ટની સલાહ લેવાનું નક્કી કર્યું છે સાથે સાથે ક્નસલ્ટન્ટની નિમણૂક માટે ટેન્ડર પ્રસિદ્ધ કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.
સોનાની લગડી જેવી જૂના એરપોર્ટની જગ્યા રાજકોટની વચ્ચોવચ્ચ આવેલી છે એટલા માટે અહીં હાઈરાઈઝડ બિલ્ડિંગ બનાવવા માટે અનેક લોકોની નજર રહેલી છે. જો કે આ જમીનને વેચીને સંપૂર્ણપણે નિકાલ કરી નાખવો કે પછી તેને લીઝ ઉપર આપવી ? તેનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. આ નિર્ણય અત્યંત કપરો હોવાને કારણે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ આખરે ક્નસલ્ટન્ટ નિમણૂક કરવા અને નિમણૂક થયા બાદ જમીનનું શું કરવું તેની સલાહ આપે પછી જ આગળ કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. આ માટે ગત ૧૧ ડિસેમ્બરે જ ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે જે ભરવાની અંતિમ તારીખ ૪ જાન્યુઆરી નિર્ધારિત કરવામાં આવી છે.
વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ક્નસલ્ટન્ટની નિમણૂક થયા બાદ તે જમીન અંગે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરશે અને તેના આધારે કામગીરી કરવામાં આવશે. ક્નસલ્ટન્ટ દ્વારા રાજ્ય સરકારના જીડીસીઆરના કાયદા, મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ સહિતના નિયમો ધ્યાન પર લેવામાં આવશે અને તેના આધારે જ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત પ્લાનમાં એન્ટ્રી-એક્ઝિટ, કોમન સુવિધા, આંતરિક રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધા કઈ રીતે આપી શકાય તે સહિતની બાબતો આવરી લેવામાં આવશે.
આઈટી-જ્વેલરી પાર્ક બનાવાશે કે પછી બીજું કાઈ ?
જ્યારથી નવું એરપોર્ટ કાર્યરત થયું છે ત્યારથી લઈ આજ સુધી લોકોના મનમાં એક જ સવાલ ઉદ્ભવી રહ્યો છે કે જૂના એરપોર્ટની જગ્યા ઉપર સરકાર દ્વારા આઈટી-જ્વેલરી પાર્ક બનાવવામાં આવશે કે પછી હાઈરાઈઝડ બિલ્ડિંગ કે બીજું કાંઈ બનાવવામાં આવશે ? જો કે હવે સવાલનો જવાબ ટૂંક સમયમાં મળી જાય તેવી શક્યતાને નકારી શકાતી નથી.
