બી.ટી.સવાણી હોસ્પિટલની કેન્ટીન-હોસ્ટેલ-મા યોજનાનો વોર્ડ સીલ
ફાયર એનઓસી માટે ૬ દિવસ પહેલાં નોટિસ આપ્યા બાદ મનપાની કાર્યવાહી
હોસ્ટેલમાં રહેતી ૧૨૦ વિદ્યાર્થિની રઝળી પડશે, મા યોજનાનો લાભ લેતાં દર્દીઓને થશે હાલાકી

ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકા દ્વારા આક્રમક રીતે સીલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે દરરોજ મોટી સંખ્યામાં મિલકતોને સીલ લાગી રહ્યા છે. દરમિયાન યુનિવર્સિટી રોડ પર આવેલી બી.ટી.સવાણી હોસ્પિટલની કેન્ટીન, હોસ્ટેલ અને મા યોજનાનો વોર્ડ સીલ કરી દેવામાં આવતાં અફડાતફડી થઈ જવા પામી હતી.
આ અંગે હોસ્પિટલના ચીફ મેઈન્ટેનન્સ ઓફિસર નરોત્તમભાઈ મેંદપરાએ જણાવ્યું હતું કે હોસ્ટેલ પાસે બી.યુ. (બિલ્ડિંગ યુઝ પરમીશન) નહીં હોવાને કારણે તેને સીલ મારી દેવામાં આવ્યું છે. છ દિવસ પહેલાં મહાપાલિકા દ્વારા નોટિસ અપાઈ હતી ત્યાર બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણી સાથે આ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓએ બેઠક પણ કરી હતી. આ ઉપરાંત કેન્ટીનને પણ ફાયર એનઓસી ન હોવાને કારણે સીલ મારી દેવામાં આવ્યું છે. હોસ્ટેલની વાત કરવામાં આવે તો અહીં ૧૨૦ વિદ્યાર્થિની રહે છે જેમને રહેવા માટેની વ્યવસ્થા ક્યાં કરવી તે અંગે અત્યારે ચર્ચા ચાલી રહી છે.
આ ઉપરાંત મા યોજનાની કેસબારી કે જ્યાં દરરોજ ૭૦થી વધુ દર્દીઓ પોતાનો કેસ કઢાવે છે તેને પણ સીલ મારી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પ્રકારની કાર્યવાહીને કારણે અત્યારે વિદ્યાર્થિનીઓની સાથે જ દર્દીઓને પણ હેરાનગતિ થશે. બીજી બાજુ હોસ્પિટલ દ્વારા એક માળ ચણવામાં આવ્યો છે તેને ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ કાયદેસર કરવા માટેની ફી ભરપાઈ કરી દેવામાં આવી છે અને તે અંગેનો પૂરાવો પણ રજૂ કરી દેવાયો છે આમ છતાં આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોઈ વિભાગને સીલ કરાયો નથી: ડૉ.વિશાલ ભટ્ટ
આ અંગે બી.ટી.સવાણી હોસ્પિટલના ડૉ.વિશાલ ભટ્ટનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે કોઈ વિભાગને સીલ કરવામાં આવ્યો નથી અને બધું રાબેતા મુજબ જ ચાલી રહ્યું છે.