કેનાલ રોડ ઉપર ફૂટપાથનો ઉપયોગ જાહેરાત કરવા માટે !!
મનપા કચેરીથી થોડે જ દૂર આવેલા રસ્તા પર ફૂટપાથની હાલત બદથી બદતર
જ્યાં જૂઓ ત્યાં ફૂટપાથ ઉપર કાં તો દુકાનનો સામાન, કાં તો બોર્ડ’ને કાં તો વાહનો ખડકી દેવાયેલા
દબાણ હટાવ શાખાને અહીં ઉભી રહેતી રેવડી-સીંગની રેંકડીઓ દેખાય પણ આટલા દબાણ નહીં…!
ખોરા ટોપરા જેવી દાનત'ને કારણે જ ફૂટપાથ ક્યારેય દબાણમુક્ત થઈ શકી નથી

રાજકોટનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં લોકો સરળતાથી ચાલી શકે તેના માટે ફૂટપાથ બચેલી હોય...! આ વસ્તુ રોજિંદી બની ગઈ હોવાથી લોકો હવે તેની સાથે ટેવાઈ ગયા છે. અમુક અંશે ફૂટપાથ પર થયેલા દબાણની ફરિયાદો પણ કરવામાં આવે છે પરંતુ બહેરા કાને તેની કોઈ જ અસર થતી ન હોય આખરે લોકોએ પણ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું છે. જો કે હંમેશા પ્રજાનો અવાજ બનવાની નેમ સાથે કાર્ય કરતા
વોઈસ ઓફ ડે’ દ્વારા આ દિશામાં તંત્રનો કાન આમળવામાં આવી રહ્યો છે ત્યારે આ વખતે એક એવા વિસ્તારનો ચીતાર અહીં રજૂ કરવામાં આવ્યો છે જે મહાપાલિકા કચેરીથી થોડે જ દૂર આવેલો છે છતાં ત્યાંની ફૂટપાથ પર ભારે-ભરખમ દબાણો થઈ ગયા છે. આ વિસ્તાર કેનાલ રોડ છે જ્યાં ફૂટપાથનો ઉપયોગ ચાલવા માટે નહીં બલ્કે જાહેરાત કરવા માટે જ કરાઈ રહ્યો છે !

કેનાલ રોડ ઘણો જ વિશાળ છે અને અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે પણ આવતા હોય છે પરંતુ અહીં ખરીદી કરવા આવે એટલે સૌથી પહેલો પ્રશ્ન પાર્કિંગનો ઉપસ્થિત થાય કેમ કે અહીં પાર્કિંગ કરવા માટે ક્યાંય પણ વ્યવસ્થિત જગ્યા નથી. આટલું ઓછું હોય તેમ હવે તો અહીં ફૂટપાથ પણ બચી નથી કેમ કે તેના ઉપર દુકાનદારો દ્વારા કાં તો સામાન ગોઠવી દેવામાં આવ્યો છે કાં તો જાહેરાતોના બોર્ડ મુકી દેવાયા છે જે ઉપરોક્ત તસવીરમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

અહીં લાઈનસર ઘણી બધી દુકાનો આવેલી છે અને મહાપાલિકાએ દુકાન બહાર ફૂટપાથ બનાવી પણ છે. હવે માની લો કે કોઈ વ્યક્તિ અહીં ખરીદી કરવા માટે નીકળે અને ચાલતાં ચાલતાં જવાનું પસંદ કરે પરંતુ ચાલવા માટે ફૂટપાથ જ અહીં બાકી રહી નથી. અહીંની ફૂટપાથ ઉપર મોબાઈલ, કપડા, ઝેરોક્ષના બોર્ડ લગાવી દેવાયા છે તો અમુક દુકાનો દ્વારા ફૂટપાથ ઉપર પોતાના સામાનનું ડિસ્પ્લે તૈયાર કરી દેવામાં આવ્યું છે !
અહીંના લોકોએ જણાવ્યું હતું કે દબાણ હટાવ શાખા દ્વારા અહીં ડ્રાઈવ તો કરવામાં આવી રહી છે પરંતુ તેની નજરમાં મોટા દબાણ નહીં બલ્કે સીંગ-રેવડીની રેંકડીઓ જ ચડી રહી છે ! એકંદરે મનપા સ્ટાફની જ ખોરા ટોપરા જેવી દાનતને કારણે અહીં દિવસેને દિવસે દબાણ વધી રહ્યા છે જેના પરિણામે અહીં લોકો રસ્તે ચાલવા મજબૂર બને છે.
એક વખત નવો-નક્કોર સામાન જપ્ત કરી લેવાય તો અસર પડે…
કેનાલ રોડના લોકોનું કહેવું છે કે દબાણ હટાવ શાખા દ્વારા અહીં જે-જે દુકાનદાર દ્વારા બહાર સામાન મુકીને દબાણ કરવામાં આવી રહ્યું છે તેનો નવો-નક્કોર સામાન જપ્ત કરી લ્યે તો તેની ઘણી અસર પડે તેમ છે. અહીં રસ્તા પર રહેલા બોર્ડ તો જપ્ત કરાય જ છે પરંતુ સામાનની જપ્તી ન થતી હોવાથી કોઈ અસર પડતી નથી. આ ઉપરાંત અહીં આડેધડ પાર્ક કરાયેલા વાહનોને દંડ થાય તો રસ્તો દબાણમુક્ત બની શકે તેમ છે.