જસદણ-આટકોટ, જુનાગઢ, અમરેલી, સાબરકાંઠામાં કમોસમી વરસાદ
રાજ્યમાં ચાર દિવસથી માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી
રાજ્યમાં શુક્રવારે પણ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા અને જુનાગઢ, રાજકોટના જસદણ અને આટકોટમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
શુક્રવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લોકોએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો હતો. તો બીજી તરફ સાબરકાંઠા અને જુનાગઢ, રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. રાજકોટના જસદણ અને આટકોટ પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખબક્યો હતો. ભારે પવનને કારણે વીજળી ગુલ થઈ હતી. તો બીજી તરફ વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા.
જુનાગઢ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ખેતરોમાં પાકને નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. અમરેલી જિલ્લામાં પણ માવઠું થયું હતું. લિલિયા, ધરી અને સાવરકુંડલા તાલુકાના ખાલપર, અકોડા, બાવડી, વડા, વાસીયાળી, મેકડા, માંનાવાવ, મોરજર, ગોપાલગામ, સરસિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. આ ઉપરાંત ખેડબ્રહ્મા, પોશીના, ઇડરના ગ્રામ્ય વિસ્તારો સહિત દાંતા, અંબાજી તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.