રાજકોટમાં બ્લડ ડોનેટ કરી પીડિતાને શ્રદ્ધાંજલિ અપાઈ
- 120થી વધુ બ્લડ બેગ એકઠી કરી જરૂરિયાતમંદ દર્દીને મદદ કરી : માંગ પૂરી ન થાય તો હડતાલ ઉગ્ર બનાવવાની ચીમકી
વોઇસ ઓફ ડે રાજકોટ
કોલકાતામાં મહિલા ડોકટર ઉપર દુષ્કર્મ કરીને તેની નિર્મમ હત્યા કરવા બદલ ડોકટર્સની હડતાલ કરી રહ્યા છે. ઇમરજન્સી સિવાયની બધી સેવાઓ બંધ કરીને તબીબોએ હડતાલ યથાવત રાખી છે. આ સાથે જ મૃતકની આત્માની શાંતિ માટે ગઇકાલે રાજકોટમાં પીડીયુ હોસ્પિટલ ખાતે તબીબોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી પીડિતાને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી જુનિયર ડોક્ટરો ડૉક્ટર્સની સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે અને ઇમરજન્સી સિવાયની બધી સેવાઓ બંધ કરવામાં આવી છે. ગઇકાલે તબીબો દ્વારા વી વોન્ટ જસ્ટિસ, અબ ભી જીસકા ખૂન ન ખોલા ખૂન નહીં વો પાની હે, સેવ ગર્લ, અને જેડીએ જીંદાબાદ સહિતનાં નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ સાથે મૃતકના આત્માની શાંતિ માટે ડોક્ટરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 120થી વધુ બોટલ એકત્ર કરી જરૂરિયાતમંદ દર્દીની મદદ કરી હતી.
આ મામલે વિગતો આપતા રાજકોટ જુનિયર ડોક્ટર એસોસિએશનનાં પ્રમુખ સંદીપ શર્માએ જણાવ્યું હતું કે, ગત તારીખ 9 ઓગસ્ટે પશ્ચિમ બંગાળ ખાતે મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. જે અંતર્ગત રાજકોટનાં જુનિયર ડોક્ટરોએ પણ ઇમરજન્સી સિવાયની સેવાઓનો બહિષ્કાર કર્યો છે અને ડોક્ટરોની સુરક્ષા માટે ખાસ કાયદો ઘડવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. ગઇકાલે ત્રીજા દિવસે હડતાળની સાથે મૃતકના આત્માની શાંતિ માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો.અને આજે પણ આ હડતાલ યથાવત રાખવામાં આવી છે. અને જ્યાર સુધી માંગણીઓ સંતોષાય નહીં અને ન્યાય મળે નહિ ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે. અને આગામી દિવસોમાં હડતાલને ઉગ્ર બનાવવાનું જણાવ્યું હતું.