BAPS મંદિર પાસેનું ડિવાઈડર ખોલવું કે નહીં ? પોલીસના ગળામાં નખાયો ગાળિયો !
પહેલાં મહાપાલિકાએ જાહેરાત કરી દીધી, હવે કહે છે પોલીસ કહે તો ખોલી આપશું
કાલાવડ રોડ પર બીએપીએસ મંદિર પાસેનું ડિવાઈડર ખોલવા માટે છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. પાછલા મ્યુનિ.કમિશનર તેમજ પોલીસ કમિશનર વખતે પણ આ મામલે લોકમાંગ ઉઠવા પામી હતી પરંતુ તેની કોઈ અસર પડવા પામી ન્હોતી. દરમિયાન દિવાળી પહેલાં મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈ દ્વારા આ ડિવાઈડર ખોલી નાખવા માટેની જાહેરાત કરી દેવામાં આવી હતી. જો કે હવે આ ડિવાઈડર ખોલવું કે નહીં તે મુદ્દો રાબેતા મુજબની જેમ જ હવે પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે મતલબ કે હવે પોલીસ કહે તો જ આ ડિવાઈડર ખુલશે તેવું નક્કી કરી લેવામાં આવ્યું છે.
મહાપાલિકા દ્વારા ટ્રાફિકજામથી પીડાઈ રહેલા લોકોને રાહત આપવા માટે આઠ જેટલા સર્કલ નાના કરવામાં આવ્યા હતા જેમાં કોટેચા ચોકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસના કહેવાથી ડિલક્સ ચોકનું સર્કલ જ દૂર કરી નાખવામાં આવ્યું છે ત્યારે દિવાળી પૂર્વે જ મ્યુ.કમિશનર દ્વારા કાલાવડ રોડ પર બીએપીએસ મંદિર પાસેનું ડિવાઈડર ખોલવાનું જાહેર તો કરી દેવામાં આવ્યું પરંતુ દિવાળી પૂર્ણ થયા બાદ પણ આ કામગીરી શરૂ કરવામાં આવી નથી.
હવે જ્યારે જવાબદારોને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા એવો જવાબ અપાયો હતો કે અમે તમામ સર્કલ પોલીસની `સલાહ’ મુજબ જ નાના કર્યા છે ત્યારે આ ડિવાઈડર ખોલવાનું આમ તો નક્કી જ છે પરંતુ પોલીસ જ્યારે કહેશે ત્યારે ખોલવામાં આવશે ! એકંદરે મહાપાલિકા પોતાના ઉપર આ ડિવાઈડર ખોલવાની જવાબદારી લેવા માંગતી નથી કેમ કે તે ખોલ્યા બાદ ન કરે નારાયણ’ને કોઈ અકસ્માત થાય તો ઓળિયોઘોળિયો બધો જ મહાપાલિકા ઉપર આવે એટલા માટે તેણે પોલીસ ઉપર બધું ઢોળી દીધું છે. જો કે પોલીસ આ ડિવાઈડર ખોલવાના મતમાં અગાઉ તો ન્હોતી પરંતુ હવે છે કે નહીં તે આવનારો સમય બતાવશે.