મોરબી રોડ ઉપર સરકારી જગ્યામાં ઉભા થયેલા બોક્સ ક્રિકેટ સહિતના દબાણ હટ્યા
રાજકોટ પૂર્વ મામલતદારે ૫૦ કરોડ રૂપિયાની કિંમતી યુએલસી ફાજલ ૨૨,૫૬૧ ચોરસ મીટર જમીન ઉપરથી દબાણ દૂર કર્યા
રાજકોટ શહેરમાં અનેકસ્થળોએ સરકારી જમીન ઉપર વર્ષોથી દબાણ ઉભા થઇ ગયા છે ત્યારે મંગળવારે રાજકોટ પૂર્વ મામલતદાર દ્વારા શહેરના મોરબી રોડ ઉપર યુએલસી ફાજલ થયેલી અંદાજે ૫૦ કરોડ રૂપિયાની કિંમતી ૨૨,૫૬૧ ચોરસ મીટર જમીન ઉપરના દબાણ હટાવી સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પૂર્વ વિસ્તારમાં આવેલ સરકારી ખરાબાની જમીન સર્વે નં. ૫૩/૨ પૈકી ૩ ની યુ.એલ.સી.ની ફાજલ થયેલી કુલ ૨૨,૫૬૧ ચોરસ મીટર જમીનની કિંમતી જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કુલ ૧૫ કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ જગ્યામાં એક હોટલ, પાંચ ચાની હોટલ, એક પંચરની કેબીન, ચાર પાનની કેબીન, પાંચ સીઝન સ્ટોર, એક બોક્સ ક્રિકેટ જેમાં 6 સિમેન્ટની પાકી પીચ, એક કાર વોશ સેંન્ટરનું ડિમોલીસન કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ ૫૦ કરોડની કિંમતની ૨૨,૫૬૧ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી.
રાજકોટ શહેર(પૂર્વ) મામલતદાર એસ. જે. ચાવડા એ કહ્યું કે, આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી. અનઅધિકૃત કબ્જો ખાલી કરવા ૭ દિવસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેઓએ ધ્યાને ન લેતા ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ ના થાય તે માટે આ જમીનના ફરતે ફેન્સિંગ કરવામાં આવશે. ડિમોલીસન સમયે સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા, નાયબ મામલતદાર સરફરાઝ મલેક, તલાટી ધારાબેન વ્યાસ, રેવન્યુ વીભાગના કર્મચારીઓ, પોલીસ, ફાયર અને પી.જી.વી.સી.એલના કર્મચારીઓ સાથે રહ્યા હતા.