લેસર-શોમાં મહાપાલિકાએ કર્યા બાર હજારના લાખ !
સર્કસ'માં લાઈટના લીટા પડે તેવા જ પાડી દઈ આપી દેવાયું
લેસર-શો’ નામ
જે કંપની ૯.૫૦ લાખમાં જોરદાર શો કરી આપવા તૈયાર હતી તેને કામ ન આપી અન્ય એજન્સીને ૨૪ લાખથી વધુમાં આપ્યું કામ
જાણીજોઈને ટેન્ડરમાં બે શરત ઉમેરાઈ દેવાઈ જેના કારણે અન્ય એજન્સીઓ ડિસ્ક્વોલિફાય જ થઈ જાય
મ્યુનિ.કમિશનરને રૂબરૂ રજૂઆત કરાઈ છતાં કશી જ કાર્યવાહી નહીં કરાયાનો આક્ષેપ
મહાપાલિકા દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને દિવાળી કાર્નિવલનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સ રિંગરોડને શણગારી દેવામાં આવ્યો છે તો બહુમાળી ચોકમાં લેસર-શો આયોજિત કરવામાં આવે છે જે દુબઈ જેવો હોવાની મસમોટી વાતો પણ પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જો કે મહાપાલિકા દ્વારા જેને લેસર-શો કહેવામાં આવે છે વાસ્તવિક રીતે તે લેસર-શો નહીં બલ્કે લાઈટના લીટા જ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અત્યારે જે પ્રકારનો લેસર-શો થઈ રહ્યો છે તેના કરતા ચાર ચાસણી ચડે તેવો લેસર-શો કરવા માટે એક એજન્સીએ તૈયારી દર્શાવી હતી પરંતુ તેને કામ આપવામાં આવ્યું નથી.
આશ્ચર્યની વાત એ ગણી શકાય કે મહાપાલિકાએ લેસર-શો માટેનું જે ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે તે ૨૪ લાખની કિંમતનું છે મતલબ કે તંત્ર દ્વારા આ કામ માટે એજન્સીને ૨૪ લાખ રૂપિયાનું ચૂકવણું તો કરવામાં આવશે જ, કદાચ તેના કરતા પણ વધુ રકમ હોઈ શકે. આ જ કામ લેસરમામા' નામની કંપની ધરાવતાં અમર પી.ઠાકર દ્વારા માત્ર ૯.૫૦ લાખ રૂપિયામાં કરી આપવાની તૈયારી દર્શાવી હતી. જો કે કોઈ કારણસર તેને કામ આપવામાં આવ્યું ન્હોતું. વળી, અત્યારે જે લેસર-શો થઈ રહ્યો છે તેના કરતા પણ અદ્ભુત લેસર-શો કરી આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો હતો. આ અંગે અમર ઠાકર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ૨૩ ઑક્ટોબરે એક પત્ર પણ લખવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે દિવાળી કાર્નિવલ-૨૦૨૪ અંતર્ગત લેસર-શો કરી આપવા બાબતે તમારા દ્વારા બહાર પડાયેલા ટેન્ડરમાં અમુક ચોક્કસ મુદ્દાઓ પ્રમાણે અમે માન્ય થઈ રહ્યા નથી એટલા માટે ટેન્ડર પણ ભર્યું નથી પરંતુ જો તમે પ્રજાલક્ષી નિર્ણય લેવા માંગતા હોવ તો અમે આ લેસર-શો ફક્ત ૯.૫૦ લાખમાં કરી આપવા ઈચ્છુક છીએ. અમારી પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલ કાંકરિયા કાર્નિવલ ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં લેસર-શો પ્રદર્શિત કર્યાનો અનુભવ છે. સરકાર દ્વારા બહાર પડાયેલ
વિકસિત ભારત સંકલ્પ’ થીમ પર લેસર એનિમેશન સ્ટોરી વિથ ઓડિયો ટે્રક તેમજ લેસર બીમ શો પણ તૈયાર કર્યો છે.
વળી, આ લેસર-શોમાં અમે ૧૫ નંગ લેસર તેમજ વિશ્વ વિખ્યાત પેંગોલીન લેસર ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવાના હતા જે રાજકોટમાં પ્રથમ વખત પ્રદર્શિત થઈ શક્યો હોત.
થર્ડ પાર્ટી પાસે કામ નહીં કરાવવાની શરતનો ખુલ્લેઆમ ઉલાળિયો
મહાપાલિકા દ્વારા ટેન્ડર સાથે અનેક પ્રકારની શરતો પણ રાખવામાં આવી હતી જેમાં શરત નં.૬માં સ્પષ્ટપણે જણાવાયું હતું કે આ કામ માટે કોઈ પણ પ્રકારનું જોઈન્ટ વેન્ચર માન્ય રાખવામાં આવશે નહીં. જો કે આ શરતનો ઉલાળિયો કરી દેવામાં આવ્યાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. જે એજન્સીને કામ આપવામાં આવ્યું તે એજન્સીએ પોતે કામ કરવાની જગ્યાએ મુંબઈની એક એજન્સી પાસે કામ કરાવ્યું છે મતલબ કે થર્ડ પાર્ટી આ કામ કરી રહી છે. આ ઉપરાંત એજન્સી પ્રોવિડન્ડ ફંડ તેમજ ઈએસઆઈસી રજિસ્ટે્રશન નંબર ધરાવતી હોવી જોઈએ તેવી શરત ઉમેરી દેવામાં આવી હોવાથી અન્ય એજન્સીઓ આપોઆપ આ રેસમાંથી હટી ગઈ હતી !