રાજકોટમાં કેન્દ્રીય બજેટના ગુણગાન ગાવા સાંસદ છેક દિલ્હીથી પ્લેન ઉડાડીને આવ્યા !
બિહારના સાંસદ અને પૂર્વ ઉડ્ડયન મંત્રી રાજીવ પ્રતાપ રૂડીએ બજેટને ગણાવ્યું ફુલગુલાબી'
રૂડીએ કહ્યું, કેન્દ્રનું બજેટ
જાત’ને નહીં, લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે
બિહારની દેશનું અત્યંત ગરીબ રાજ્ય હોવાથી તેને વધુ પૈસાની ફાળવણી કરાઈ છે
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં સામેલ યોજનાઓ તેમજ તેની જોગવાઈઓ લોકો સુધી પહોંચાડવા માટે ભાજપ હાઈ કમાન્ડ દ્વારા સાંસદો અને દિગ્ગજ નેતાઓની ફૌજને દેશના ૫૨૫ જિલ્લાઓમાં મોકલવામાં આવી રહી છે. આ સિલસિલામાં ભાજપના બિહારની સારણ બેઠકના સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રાજીવ પ્રતાપ રૂડીએ રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કરીને બજેટની ભારોભાર પ્રશંસા કરી હતી સાથે સાથે આ બજેટ દરેક વ્યક્તિને લાગુ પડતું હોવાનો દાવો પણ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે રૂડી દિલ્હીથી પોતે જ પ્લેન ઉડાડીને અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી મોટર માર્ગે રાજકોટ પહોંચ્યા હતા.
રાજીવ પ્રતાપે પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે એનડીએ દ્વારા કેન્દ્રીય બજેટને `જાત’ જોઈને નહીં પરંતુ લોકોને વાસ્તવિક રીતે શું જોઈએ છે તે મુદ્દાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. એનડીએ માટે ચાર જ જાત છે જેમાં મહિલા, ખેડૂતો, યુવાનો અને ગરીબો…આ ચાર જાતને ધ્યાનમાં રાખીને જ બજેટને તૈયાર કરાયું છે. આ બજેટમાં અનેક મહત્ત્વની જોગવાઈઓ કરાઈ છે જેમાં ૫૦૦ લિસ્ટેડ કંપનીઓ દ્વારા પાંચ કરોડ બાળકોને એક વર્ષ સુધી ઈન્ટર્નશિપ કરાશો. આ ઉપરાંત પાંચ યોજના પાછળ સવા ચાર લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
વિપક્ષની ટીકા કરતાં તેમણે જણાવ્યું કે વિપક્ષ ક્યારેય સત્તાપક્ષના બજેટને વખાણતો હોતો નથી. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે. બિહારને બજેટમાં હજારો કરોડો રૂપિયાની ફાળવણી અંગે તેમણે કહ્યું કે આ ફાળવણી ગઠબંધનની મજબૂરીને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ બિહારના વિકાસને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે. બિહાર દેશનું સૌથી ગરીબ રાજ્ય છે એટલા માટે તેને વધુ નાણાંની જોગવાઈ કરવામાં આવી છે જેથી ત્યાંના લોકોનો વિકાસ કરી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજીવ પ્રતાપ રૂડી મોટા પ્લેનના પાયલટ છે. આ ઉપરાંત દિગ્ગજ રાજકારણી, વકીલાત પણ કરી રહ્યા છે. પોતે પાયલોટ હોવાથી જ તેઓ પોતે જ દિલ્હીથી પ્લેન ઉડાડીને અમદાવાદ આવ્યા હતા.
આ પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ઉદય કાનગડ, ડૉ.દર્શિતા શાહ, મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન મોલિયા, માધવ દવે, પ્રવક્તા રાજુ ધ્રુવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ એરપોર્ટ અંગે જીભ લપસી: ઈન્ટરનેશનલ નામ આપી દેવાથી ફ્લાઈટ નથી મળતી !
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ છેલ્લા ઘણા સમયથી વિવાદના વમળમાં ઘેરાઈ ગયું છે. જ્યારથી એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા નવા એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન નહીં ભરે તેવું નિવેદન આપ્યું છે ત્યારથી લઈ આજ સુધી તેને લઈને વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. આ જ વાતને ધ્યાનમાં રાખી ડાયરેક્ટર દ્વારા જાહેરાત કરાઈ હતી કે ઑક્ટોબર મહિનાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરશે પરંતુ હજુ સુધી તેના કોઈ જ ઠેકાણા લાગી રહ્યા નથી. આ બધાની વચ્ચે સાંસદ રાજીવ પ્રતાપ રૂડીની જીભ લપસી હોય તેવી રીતે તેમણે એરપોર્ટને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઈ પણ એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ એમ નામ આપી દેવાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મળતી નથી. તેમણે તો એવું ઉદાહરણ પણ આપ્યું કે પટણાનું જયપ્રકાશ નારાયણ એરપોર્ટ છેલ્લા ૧૭ વર્ષથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ઓળખાય છે પરંતુ ત્યાં હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટે ઉડાન ભરી નથી. આ જ રીતે લખનૌનું એરપોર્ટ છેલ્લા ૧૦ વર્ષથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ઓળખાય છે પરંતુ ત્યાં પણ હજુ ડોમેસ્ટિક ફ્લાઈટ જ ઉડાન ભરે છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે એરલાઈન્સ કંપનીને મોટો ફટકો પડ્યો હોવાથી તેઓ ઉત્તરોતર ફ્લાઈટની સંખ્યા ઘટાડી રહ્યા છે. બીજી બાજુ એરલાઈન્સ દ્વારા ડિમાન્ડને આધારે ફ્લાઈટ શરૂ કરવામાં આવતી હોય છે.