વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જન ધન યોજનાને સફળ બનાવવા માટે કામ કરનારા લોકોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ યોજના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે સર્વોચ્ચ રહી છે. બુધવારે તેને 10 વર્ષ પૂરા થયા છે. વડાપ્રધાને લાભાર્થીઓને શુભેચ્છા પાઠવીને એવી માહિતી આપી હતી કે 2024 સુધીમાં કૂલ 53.13 કરોડ જનધન ખાતા ખૂલી ગયા છે. જેમાં રૂપિયા 2 લાખ કરોડથી પણ વધુની રકમ જમા થઈ ચૂકી છે.
“આજે એક ઐતિહાસિક દિવસ છે – જન ધન યોજનાના 10 વર્ષ પૂર્ણ થયા છે,” વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું. તમામ લાભાર્થીઓને શુભકામનાઓ અને આ યોજનાને સફળ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરનાર તમામને ખૂબ ખૂબ અભિનંદન. સારી વાત એ છે કે ખાતાઓમાં મહિલાની સંખ્યા પુરુષોથી વધુ છે.
તેમણે કહ્યું કે જન ધન યોજના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને કરોડો લોકોને, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને વંચિત સમુદાયોને ગૌરવ અપાવવામાં સર્વોપરી છે. વર્ષ 2014 માં આ દિવસે શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન ધન યોજના, નાણાકીય સમાવેશ પરનું એક રાષ્ટ્રીય મિશન છે જેમાં દેશના તમામ પરિવારોના વ્યાપક નાણાકીય સમાવેશ માટે સંકલિત અભિગમનો સમાવેશ થાય છે.
યોજનાનો ઉદ્દેશ્ય ઓછામાં ઓછું એક મૂળભૂત બેંકિંગ ખાતું, નાણાકીય સાક્ષરતા, ક્રેડિટ, વીમા અને પેન્શનની સુવિધા ધરાવતા દરેક પરિવાર માટે બેંકિંગ સુવિધાઓની સાર્વત્રિક પહોંચ સુનિશ્ચિત કરવાનો છે.