જાહેરાતનો ઇતિહાસ માત્ર વેપાર કે બજાર સાથે જ નહી પરંતુ માનવ સંસ્કૃતિના વિકાસ સાથે સંકળાયેલો છે.
રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ (RAC) દ્વારા વિવિધ એડવર્ટાઇઝિંગ એજન્સીઓના સભ્યો માટે વિશેષ જ્ઞાનસત્રનું આયોજન શહેરનાં પ્રખ્યાત ગાંધી મ્યુઝિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જાહેરાત વ્યવસાયના મૂળભૂત તત્વોથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આધુનિક ઉપયોગ સુધીના સુધીના વિષયો આવરી લેતા બે સત્રોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ સત્રમાં RACના સભ્ય તથા ‘ધ જેનેસિસ ઓફ એડવર્ટાઇઝિંગ’ પુસ્તકના લેખક નયનેશ પારેખ (એસેન્ટ એડ) દ્વારા જાહેરાતના ઉદભવ અને વિકાસ પર સંશોધન આધારિત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પ્રસ્તુતિમાં જણાવાયું હતું કે જાહેરાતનો ઇતિહાસ માત્ર વેપાર કે બજાર સાથે જ જોડાયેલો નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિના વિકાસ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. માનવજાતની ધ્યાન આકર્ષવાની, પ્રભાવ પાડવાની અને સમાજમાં સ્વીકાર મેળવવાની સહજ વૃત્તિમાંથી જાહેરાતનો જન્મ થયો હોવાનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને માનવ વર્તણૂકના અનેક ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું હતું.
ગુફાચિત્રોથી શરૂ થયેલી અભિવ્યક્તિની સફર, રાજાઓના શિલાલેખો, વેપારીઓના જાહેર પોકારો, ધાર્મિક સંદેશાવ્યવહાર, લોકપરંપરાઓ, છાપાખાનાની શોધ, ઔદ્યોગિક ક્રાંતિ અને આધુનિક બ્રાન્ડિંગ સુધી જાહેરાત કેવી રીતે વિકસતી ગઈ તેની રસપ્રદ રજૂઆત કરવામાં આવી હતી. પ્રસ્તુતિએ ઉપસ્થિત સભ્યોને એ વિચારવા પ્રેર્યા કે જાહેરાત એ માત્ર ઉત્પાદન વેચવાની પ્રક્રિયા નથી, પરંતુ માનવ અભિવ્યક્તિ, સંવાદ અને સમાજને પ્રભાવિત કરવાની સતત વિકસતી કળા છે. બીજા સત્રમાં જલાધી ઝવેરી (એપેક્ષ એડવર્ટાઇઝીંગ) અને અર્પિત ગણાત્રા (જનાદેશ PR) દ્વારા ‘AI અને એડવર્ટાઇઝિંગ’ વિષય પર પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ AI ટૂલ્સના લાઈવ ડેમો દ્વારા જાહેરાત ક્ષેત્રમાં કૉપીરાઇટિંગ, વિઝ્યુઅલ ડિઝાઈન, કેમ્પેઈન પ્લાનિંગ, કન્ટેન્ટ ડેવલપમેન્ટ અને ક્રિએટિવ આઈડિયેશનમાં AIનો અસરકારક ઉપયોગ કેવી રીતે થઈ શકે તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: આરોપીની પૂછપરછ દરમિયાન વકીલ,સતત હાજર રહી શકે નહીં : સુપ્રીમ કોર્ટ
સત્રની વિશેષતા Prompt Engineering અંગે યોગ્ય પ્રોમ્પ્ટ કેવી રીતે તૈયાર કરવો તેનું માર્ગદર્શન અપાયું હતું. Al પાસેથી વધુ ચોક્કસ, સર્જનાત્મક અને ગુણવત્તાસભર પરિણામો કેવી રીતે મેળવવા તેમજ દૈનિક એજન્સી કાર્યમાં AIને અસરકારક સહયોગી તરીકે કેવી રીતે ઉપયોગમાં લેવો તે અંગે અનેક જીવંત ઉદાહરણો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ સભ્યોને ‘ધ જેનેસિસ ઓફ ડવર્ટાઇઝિંગ’ પુસ્તકની અંગ્રેજી તથા ગુજરાતી PDF આવૃત્તિ સંદર્ભ, અભ્યાસ, સંગ્રહ અને આંતરિક વિતરણ માટે ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે જયેશભાઈ સોના દ્વારા ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે અંતે તેમણે આભારવિધિ પણ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ દ્વારા જાહેરાત વ્યવસાય સાથે સંકળાયેલા વ્યાવસાયિકોને નવી ટેક્નોલોજી સાથે સતત અપડેટ રાખવાના હેતુથી AI અને તેના એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાં ઉપયોગ અંગે ઓનલાઈન જ્ઞાનસત્રોની શ્રેણી શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે RACની કોર ટીમના સભ્યો ગિરીશભાઈ ત્રિવેદી (દ્રષ્ટિ કોમ્યુનિકેશન), નિલેશભાઈ ત્રિવેદી (મનીષ એડ્સ), મેહુલભાઈ દામાણી (રિઝલ્ટ એડવર્ટાઈઝિંગ), જયેશભાઈ સોના (એડેક્સ મીડિયા), જલાધી ઝવેરી (એપેક્સ એડવર્ટાઇઝિંગ), કમલભાઈ પારેખ (સર્જન એડવર્ટાઈઝિંગ) તથા નયનેશભાઈ પારેખ (ઍસેન્ટ) દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી ધીરેનભાઈ વાઘેલા (માઈક્રોમીડિયા)એ પોતાના કેમેરાથી આખો સેમિનાર ફોટોગ્રાફીથી કંડારયો હતો.
