રાજકોટમાં બ્રિટિશ શાસન કાળમાં નિર્માળ પામેલું ઐતિહાસિક “પંચનાથ મહાદેવ” મંદિર
સ્વયં-ભુ પંચનાથ મંદિરમાં દર વર્ષે ગરબા, સત્યનારાયણ કથાનું થાય છે આયોજન
રાજકોટમાં અનેક શિવ મંદિરો આવેલા છે. જેમાં કેટલાક મંદિર તો સદીઓ જૂના હોવાનું માનવામાં આવે છે અને સ્વયં-ભુ ભગવાન શિવ અહી પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે ત્યારે શહેરના લીમડા ચોક વિસ્તારમાં પણ આવું જ ઐતિહાસિક અને પૌરાણિક 150 વર્ષ જૂનું શિવ મંદિર આવેલું છે અને આ મંદિરનું નામ છે પંચનાથ મહાદેવ મંદિર.
રાજકોટના હાર્દ સમા લીમડા ચોક વિસ્તારમાં 150 વર્ષ જૂનું પંચનાથ મહાદેવ મંદિર આવેલું છે અને અહી ભગવાન સ્વયં પ્રગટ થયા હોવાનું માનવમાં આવે છે. 150 વર્ષ પહેલા બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા આ જગ્યા આપવામાં આવી હતી અને અહી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ મંદિરનું પંચનાથ મહાદેવ સાર્વજીનક ટ્રસ્ટ દ્વારા સંચાલન થાય છે. ત્યારે મંદિર વિશે માહિતી આપતા ટ્રસ્ટના ઉપ પ્રમુખ વસંતભાઈએ જણાવ્યું હતું કે, હાલના સમયે આ મંદિરમાં સ્વયં-ભુ પંચનાથ મહાદેવ ઉપરાંત આ મંદિરના વિશાળ પટાંગણમાં રામ-લક્ષણ, જાનકી, અન્નપૂર્ણા મા, ખોડિયાર માં, ગાયત્રી માતાજી, શીતળા માતાજી, મહાલક્ષ્મીજી, અંબાજી માતાજી પણ બિરાજમાન છે. રાજકોટમાં શીતળા માતાજીના બે જ મંદિર આવેલા છે જેમાં એક સામા કાંઠા વિસ્તારમાં જ્યારે બીજુ મંદિર પંચનાથ મંદિરમાં. આ મંદિરમાં દર વર્ષે સામૂહિક સત્યનારાયણ કથા કરવામાં આવે છે. જ્યારે નવરાત્રી દરમિયાન મંદિરમાં જ ગરબાનું આયોજન કરવામાં આવે છે.
છેલ્લા 32 વર્ષથી રાજસ્થાન-મધ્યપ્રદેશથી આવે છે ભૂદેવ
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શિવ ભક્તો સૌરાષ્ટ્રમાં આવેલા શિવ મંદિરે જઈ ભગવાન ભોળાનાથની આરાધના કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ, કાશિવિશ્વનાથ મહાદેવ મંદિર આવેલા છે કે જ્યાં ભારતભરમાંથી ભક્તો આવીને શિવ આરાધના કરે છે ત્યારે રાજકોટમાં આવેલા 150 વર્ષ જૂના પંચનાથ મહાદેવ મંદિરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આંદાજે 150 જેટલા ભૂદેવો આવે છે અને આખા શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં રહીને પૂજા-પાઠ કરે છે. આ ભૂદેવો છેલ્લા 32 વર્ષથી પંચનાથ મંદિરે આવતા હોવાનું અને શિવ ભક્તિ કરતાં હોવાનું જાણવા મળે છે. શ્રાવણ માસ પરં થતાં તેઓ પોતાના વતન પરત ફરે છે.
ટ્રસ્ટ દ્વારા ચાલે છે રાહત દરે સાર્વજનિક હોસ્પિટલ
હોસ્પિટલના ટ્રસ્ટનું મૂળભૂત સેવાકીય ઉદ્દેશ હોય અહી ઓપીડી વિભાગ દ્વારા રોજ અનેક દર્દીઓનું નજીવા દરે નિદાન કરવામાં આવે છે. હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો અને તાલીમ પામેલા સ્ટાફ દ્વારા ડેન્ટલ આંખ, લેબોરેટરી એક્ષ-રે સોનોગ્રાફી, ઇસીજી, ટીએમટી જેવા વિભાગો સતત કાર્યરત છે. અહી રાજકોટ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો જરૂરિયાત મંદ લોકો રાહત દરે સારવાર મેળવે છે.
