મોટાવડા ગામના ત્રણેય શિક્ષકોને ડિસમિસ કરવા ભરવાડ સમાજની માંગ
છાપરા ગામના ધ્રુવિલ વરુ આપઘાત કેસમાં
શિક્ષકોના પીએફ સહિતની રકમ વિદ્યાર્થી ધ્રુવીલના પરિવારને આપવાની માંગણી
રાજકોટ : લોધીકા તાલુકાના છાપરા ગામના ધોરણ-11ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેવાના ગંભીર બનાવામાં રાજકોટના સમસ્ત ભરવાડ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મોટાવડા સરકારી શાળાના ત્રણેય શિક્ષકોને ડીસમીસ કરવાની માંગ કરી આ શિક્ષકોને મળવાપાત્ર તમામ લાભ મૃતક વિદ્યાર્થીના પરિવારને આપવા માંગ કરી હતી.
સમસ્ત ભરવાડ સમાજ રાજકોટના નેજા હેઠળ શુક્રવારે ભરવાડ સમાજના આગેવાન રણજીતભાઈ મુંધવા તથા રાજુભાઈ જુંજાની આગેવાની હેઠળ અધિક જિલ્લા કલેક્ટર એન.કે.મુછારને આવેદનપત્ર પાઠવી છાપરા ગામના ધોરણ-11ના વિદ્યાર્થી ધ્રુવિલ ભરતભાઈ વરૂને આપઘાત કરવા મજબુર કરનાર શિક્ષક સચીન વ્યાસ, વિભૂતિ શાહ, મૌસમી જોષીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. પરંતુ આ પરંતુ આ શિક્ષકોને સસ્પેન્ડ નહીં ડીસમીસ કરી તેના પીએફ સહિતની રક્મ ધ્રુવીલના પરિવારને આપવા તેમજ સરકારી સહાય તાત્કાલીક અસરથી ચુકવવા માંગણી ઉઠાવી હતી.
રજુઆત સમયે ભરવાડ સમાજના આગેવાન ભીખાભાઈ પડસારીયા, ટીટા ભગત, મંગાભાઈ લાંબરીયા, દિલીપભાઈ ગમારા, જગાભાઈ વકાતર, જે.ડી. ટારીયા, પાંચાભાઈ ટોળીયા, પારસભાઈ ખીટ, મેરામભાઈ ડાભી, લાલાભાઈ બાંભવા, ગોબરભાઈ ટારીયા, શીતલબેન શિયાળ, મધુબેન ડાભી, કનુબેન શિયાળ, છાયાબેન ડાભી, વિહાભાઈ ટોળીયા સહિતના આગેવાનો જોડાયા હતા.