કોર્ટ આવી એફિડેવિટથી ત્રાસી ગઈ છે, મ્યુનિ.કમિશનર માફી કેમ નથી માંગતા ?
અગ્નિકાંડ પાછળ મ્યુ.કમિશનરની ભૂલ નથી તેવું એફિડેવિટ રજૂ થતાં જ હાઈકોર્ટ ધુંઆપુંઆ
અધિકારીઓને બચાવવા માટે જ સોગંદનામા કરાતા હોવાનો ઠપકો: ૧૮૧૧ પાનાના એફિડેવિટના ૧૭૦૦ પાના તો ભૂતકાળમાં કરેલા કામના છે
સત્ય શોધક કમિટી પણ મ્યુ.કમિશનરને બચાવવાના પ્રયાસમાં: હાઈકોર્ટનું આકરું વલણ જોઈ એફિડેવિટ પરત ખેંચી લેવાઈ: હવે ૨૭એ વધુ સુનાવણી
રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડને ચાર મહિના વીતી ગયા છતાં હજુ સુધી પીડિતોને પૂરતો ન્યાય મળ્યો નથી. હાલ આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને તારીખ પડી રહી છે. દરમિયાન ૧૩ સપ્ટેમ્બરે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે મહાપાલિકા તંત્ર તેમજ સરકારી વકીલને મ્યુનિસિપલ કમિશનરને બચાવવા માટે દાખલ કરેલા એફિડેવિટને લઈને ઝાટકી નાખતાં તાત્કાલિક એફિડેવિટ પરત લેવું પડ્યું હતું. કોર્ટે કહ્યું કે હવે અમે આવા એફિડેવિટથી ત્રાસી ગયા છીએ, મ્યુનિસિપલ કમિશનર માફી કેમ નથી માંગી રહ્યા ?
હાઈકોર્ટે આકરું વલણ અખત્યાર કરતાં કહ્યું કે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર નથી તો પોતાની ભૂલ સ્વિકારી રહ્યા કે નથી તો તેમને માફી માંગવી. વળી, તેઓ એફિડેવિટ રજૂ કરી રહ્યા છે જેનો સ્વીકાર કેવી રીતે થઈ શકે ? જો કોર્ટ એફિડેવિટ જોશે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ જશે ! અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા તેનું પાલન કરવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે એફિડેવિટ કરી હતી. આ એફિડેવિટમાં કાયમી અને હંગામી બાંધકામને લગતા નિયમોની પણ વાત હતી આમ છતાં રાજકોટમાં આગની દૂર્ઘટના બની જ હતી એટલા માટે મ્યુનિસિપલ કમિશનર કશું જાણતા નથી તેમ કહીને છટકી શકે નહીં. કમિશનરની જવાબદારી બને જ છે એટલા માટે તેઓ છટકી શકે નહીં.
સરકારી વકીલની ઝાટકણી કાઢતાં હાઈકોર્ટે કહ્યું કે મ્યુનિ.કમિશનર દ્વારા ૧૮૧૧ પાનાની એફિડેવિટ ફાઈલ કરવામાં આવી છે જેમાંથી ૧૭૦૦ પાના તો મહાપાલિકાએ ભૂતકાળમાં કરેલા કામના જ છે જે કશા જ કામના નથી. આ થકી મ્યુનિસિપલ કમિશનર પોતાના કામને યોગ્ય ઠેરવવા પ્રયત્ન કરી રહ્યા છે એટલા માટે જો કોર્ટ એફિડેવિટ જોશે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ જશે. કોર્ટ આ એફિડેવિટ જોવા માંગતી નથી કેમ કે કોર્ટ દ્વારા આ પ્રકારની એફિડેવિટ માંગવામાં આવી જ ન્હોતી.
વળી, સરકાર દ્વારા બનાવવામાં આવેલી સત્ય શોધક કમિટીના રિપોર્ટ અંગે પણ ટીપ્પણી કરતા કોર્ટે કહ્યું કે તે પણ કમિશનરને બચાવવા માટે પ્રયત્ન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કોર્ટ હવે આવી એફિડેવિટથી થાકી ગઈ છે. કોર્ટ તમારા બધા કામ જોઈ શકે તેમ નથી. અગ્નિકાંડ બાદ પણ જે કમિટી બની તેણે માત્ર ટાઉન પ્લાનિંગ વિભાગનો જ વાંક કાઢ્યો છે.
હવે મ્યુનિસિપલ કમિશનરે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ. આ પ્રકારની એફિડેવિટ રજૂ કરીને ફક્ત પોતાની જવાબદારી બીજા ઉપર ઢોળી દેવાનો પ્રયત્ન છે. હવે આ મામલે ૨૭ સપ્ટેમ્બરે વધુ સુનાવણી કરવામાં આવશે.