વરિયાળી-ઓરેન્જ ફ્લેવરનો દેશી દારૂ !
માંડાડુંગર વિસ્તારમાં મકાનમાં ફ્લેવર્ડ દારૂ બનાવવાનું કારખાનું પકડી પાડતી પીસીબી
એક બાજુ પીસીબી, ડીસીબી, એલસીબી ઉપરાંત સ્થાનિક પોલીસ મથક દ્વારા દેશી-વિદેશી દારૂના વેચાણ તેમજ હેરાફેરી ઉપર તવાઈ ઉતારવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ એક પણ પોલીસનો ડર જ ન હોય તેવી રીતે બૂટલેગરો દારૂ બનાવવાનું તેમજ વેચવાનું બંધ કરી રહ્યા નથી. આવું જ દારૂનું એક કારખાનું માંડાડુંગર વિસ્તારમાં ધમધમી રહ્યાની બાતમી મળતાં જ પીસીબીએ દરોડો પાડી ૧૧૪ લીટર દારૂ પકડી પાડ્યો હતો. દરોડો પડ્યો ત્યારે અહીં વરિયાળી, ઓરેન્જ સહિતની ફ્લેવરનો દારૂ બનવાનું ચાલું જ હતું !
પીસીબી ટીમે માંડા ડુંગર વિસ્તારમાં આવેલી પીઠડ આઈ સોસાયટી શેરી નં.૧માં આવેલા મકાનમાં દરોડો પાડી દારૂની અલગ-અલગ ફ્લેવર જેવી કે વરિયાળી, ઓરેન્જ ફ્લેવરયુક્ત દારૂના જથ્થા સાથે ભૂપત દાનાભાઈ જાદવને પકડી પાડ્યો હતો. ભૂપતની પૂછપરછ કરતાં ખુલાસો થયો હતો કે આ દારૂનું કારખાનું મહેશ કરમશીભાઈ ડાભી દ્વારા ચલાવાઈ રહ્યું હતું. મહેશે ભૂપતને નોકરીએ રાખી દેશી દારૂમાં ઓરેન્જ તેમજ વરિયાળી ફ્લેવરનું પ્રવાહી મીક્સ કરી તેના પાઉચ બનાવવા માટે કહ્યું હતું જે પ્રમાણે ભૂપત અહીં કામ કરી રહ્યો હતો.
જો કે પોલીસે દરોડો પાડ્યો ત્યારે મહેશ હાજર ન હોય તેને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.