વિદ્યાર્થિની સાથે વિકૃત હરકતો કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરાશે
કુવાડવાના વાછકપર બેડી ગામની સરકારી સ્કૂલની
બે મહિલા આચાર્ય સહિત 5 અધિકારી તપાસ કરી વિદ્યાર્થિની તેના વાલીઓ અને સરપંચના નિવેદન લેશે
રાજકોટમાં કુવાડવાના વાછકપર બેડી ગામની સરકારી સ્કૂલના શિક્ષકે સ્કૂલની જ 12 જેટલી સગીરવયની વિદ્યાર્થિનીઓ સાથે બીભત્સ હરકત કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી હતી. અને આ મામલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષકની શોધખોળ શરૂ કરી હતી. જયારે આ મામલે બે મહિલા આચાર્ય સહિત 5 અધિકારી તપાસ કરી વિદ્યાર્થિની તેના વાલીઓ અને સરપંચના નિવેદન લેશે અને લંપટ શિક્ષકની ધરપકડ થતા તેને સસ્પેન્ડ કરવામાં આવશે.
વાછકપર બેડી ગામમાં આવેલી સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો કમલેશ અમૃતિયાએ બે વર્ષથી શાળાની સગીરવયની વિદ્યાર્થિનીઓ સાથે બીભત્સ હરકતો કરતો હોવાના રોષ સાથે સોમવારે વાછકપર બેડીના ગ્રામજનો કુવાડવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસે આ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ પરથી શિક્ષક કમલેશ અમૃતિયા સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઘટના મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બે મહિલા આચાર્ય, સ્થાનિક સીઆરસી સહિતના 5 અધિકારીની ટીમ બનાવી છે. તેઓ શાળામાં જઈને સમગ્ર ઘટના અંગેની તપાસ કરશે અને વિદ્યાર્થિની તેના વાલીઓ અને સરપંચના નિવેદન લેશે જેનો રિપોર્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં જમા કરશે જોકે આ ઘટનામાં શિક્ષકની ધરપકડ થશે તો તેને સસ્પેન્ડ કરવામાં આવવાનો છે.ઉપરાંત કોર્ટમાં ગુનો સાબિત થશે તો આગળ વધુ પગલાં લેવામાં આવશે.