જળતાંડવ વચ્ચે ઝઝુમતી જિંદગી…સેંકડો લોકો બેઘર, અનેક તણાયા અને અનેકના મોત
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાતમ-આઠમ કરવા માટે આવેલા મેઘરાજા હજુ બેટિગ કરી રહ્યા છે અને હવે લોકો ખમૈયા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાં સર્વત્ર જ્યાં સ્થળ છે ત્યાં જળ થઇ ગયું છે. આ જળતાંડવને લીધે સેંકડો જિદગી ઝઝૂમી રહી છે. સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ વરસવાનું ચાલુ રાખ્યુ હતું અને તેને લીધે લાખ્ખો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.જુદા જુદી જગ્યાએ ડૂબી જવાથી અથવા તણાઈ જવાથી અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો સારવાર હેઠળ છે. નદીઓમાં આવેલા પૂરને લીધે કાંઠાના અનેક ગામડાઓ પાણીમાં ડૂબ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. ભારે વરસાદથી ખેતરો પાણીથી લબાલબ થઇ ગયા છે.
ખંભાળિયાની રહેણાક સોસાયટીમાં પાણી ભરાતા ૨૫ જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
બુધવારે વહેલી સવારે રાણાવાવ તાલુકાના બિલેશ્વર અને ખંભાળા ગામની વચ્ચે એક સગર્ભા બહેનનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમને એમ્બ્યુલન્સ મારફત રાણાવાવ નજીક ખોડિયાર માતાજીના મંદિર સુધી લાવવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં મોટું વૃક્ષ પડેલ હોવાથી ૧૦૮ મારફત પોરબંદર ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.
પોરબંદરના મોરાણા ગામે સીમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણીમાં ફસાયેલી એક વ્યક્તિનું નેવીની મદદથી તંત્ર રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં મેઘ તાંડવને પગલે આર્મી અને નેવીના જવાનોએ બચાવકાર્યનો મોરચો સંભાળ્યો હતો. આર્મીના ૫૦ જવાનો અને નેવીના ૩૦ જવાનો રેસ્ક્યુમાં જોડાયા હતા.કુલ ૧૨૦ લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું હતું તો બાર લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ૧,૨૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેને સુરક્ષિત સ્થળ પર રાખવામાં આવ્યા છે.
જામ રાવલમાં વર્તુ-૨ ડેમનાં પાણી ઘુસી જતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હોડીની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
દ્વારકાની ખોડીયાર ચેક પોસ્ટ પાસે હાઇવે પર પાણી ફરી વળ્યું હતું જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. દ્વારકામાં ઇસ્કોન ગેટ આસપાસ આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.વરસાદી પાણીથી દર્શને આવેલા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા. દ્વારકાના હર્ષદમાં ધોધમાર વરસાદ પડતા મંદિર પાસે દુકાનોમાં પાણી ભરાતા વ્યાપક નુકસાન વેપારીઓને વેઠવુ પડ્યું છે.
ઉપલેટાના ગણોદ ગામે ૨૩ વર્ષની યુવતીને સાપ કરડતા એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં ભારે વરસાદને લીધે ભરૂચના આમોદ વચ્ચેના ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ છે ભારે વરસાદથી ખેતરો સરોવરમાં ફેરવાઈ ગયા છે ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટાપાયે નુકસાન વેચવાનો પણ વારો આવ્યો છે મગ ચણા ડાંગ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ રેડ એલર્ટ
સૌરાષ્ટ્ર ઉપર સ્થિર થયેલુ ડીપ ડીપ્રેશન થોડું નબળુ પાડીને ડીપ્રેશનમાં ફેરવાયુ છે અને આવતીકાલે તે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને પછી તબક્કાવાર અરબ સાગરમાં થઈને પાકિસ્તાન તરફ ફંટાઈ જશે તેવું હવામાન નિષ્ણાતોએ કહ્યું છે. આ સીસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાશે આમ છતાં તેની અસર બેથી ત્રણ દિવસ અનુભવાશે. બીજી તરફ આ ડીપ્રેશન તેમ જ ઑફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ ને લીધે કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્ર જિલ્લા ઉપર હજુ જોખમ છે અને ગુરુવાર માટે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે કચ્છ ઉપરાંત જામનગર, દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જિલ્લામમા ભારે વરસાદની સંભાવના છે.