શહેરમાં ખાનગી ટ્રાવેલ્સ બસની એન્ટ્રી ઉપર રોક યથાવત : સુપ્રીમ કોર્ટનો ચુકાદો
રાજ્યના તમામ મહાનગરોમાં સવારના 8 થી રાત્રીના 10 સુધી ખાનગી લકઝરી બસો પ્રવેશી શકશે નહીં
રાજકોટ : રાજ્યમાં એસટી બસની સમાંતર દોડતી ખાનગી લકઝરી બસને મહાનગરોમાં સવારના 8 થી રાત્રીના 10 સુધી પ્રવેશબંધી મુદ્દે લાંબા સમયથી ચાલતા કાનૂની વિવાદમાં સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારના જાહેરનામાને માન્ય રાખી ખાનગી બસોને સવારના 8 થી રાત્રના 10 સુધી મહાનગરમાં પ્રવેશવા ઉપર રોક લગાવવાના હાઇકોર્ટના આદેશને યોગ્ય ઠેરવતા હવે રાજકોટ શહેરના શહેરોમાં લકઝરી બસના સંચાલકો ઉપરોક્ત સમયગાળા દરમિયાન શહેરમાં પ્રવેશી નહીં શકે.
અમદાવાદ, રાજકોટ સહિતના મહાનગરોમાં ખાનગી લકઝરી અને વોલ્વો સહિતની બસના સંચાલકો શહેરની મધ્યમાં ઓફિસો ધરાવતા હોય ટ્રાફિકના પ્રશ્નો સર્જાતા અમદાવાદ પોલીસ કમિશ્નરે અને બાદમાં રાજકોટ સહિતના મહાનગરોના પોલીસ કમિશ્નર દ્વારા ખાનગી લકઝરી બસોને મહાનગરના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો હતો અને સવારે 8 થી રાત્રીના 10 સુધી તે પ્રવેશ કરી શકે નહીં તે નિશ્ચિત કર્યું હતું.નોંધનીય છે કે, શહેરના માર્ગો ઉપર લકઝરી બસ પાર્ક કરવામાં આવતા ટ્રાફિકના પ્રશ્નો સર્જાતા કમિશ્નરે મુકેલા પ્રતિબંધને ખાનગી બસ સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યું હતું પરંતુ હાઇકોર્ટે રાજ્ય સરકારના જાહેરનામાંને યોગ્ય ઠેરવતા લકઝરી બસના સંચાલકો સુપ્રીમકોર્ટમાં ગયા હતા.
જો કે, સુપ્રીમકોર્ટે પણ હાઇકોર્ટના ચુકાદાને યથાવત રાખી લકઝરી બસ સંચાલકોની માંગણી ફગાવી દઈ જે લોકો લકઝરી સુવિધાનો ઉપયોગ કરવા માગતા હોય તેની વ્યવસ્થા કરવાની જવાબદારી ખાનગી બસ સંચાલકોનો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે એસટી સહિતની સરકારી વ્યવસ્થા અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને એક સમાન ગણી શકાય નહીં. આ ઉપરાંત ધંધા-રોજગારના અધિકાર અને આરટીઓના નિયમો ટાંકીને ખાનગી બસ સંચાલકોએ કરેલી અપીલ ફગાવાઇ હતી.
રાજકોટમાં જાહેરનામું માત્ર કાગળ ઉપર
રાજકોટ શહેરમાં પણ લકઝરી બસને સવારના 8 થી રાત્રીના 10 સુધી પ્રવેશબંધી અંગેનું જાહેરનામું અમલમાં છે પરંતુ રાજકોટમાં નાના વાહન ચાલકો ઉપર ધોંસ બોલાવતી શહેર પોલીસ કે ટ્રાફિક પોલીસ લકઝરી બસ સંચાલકો સાથેના લકઝરી સંબંધોને કારણે જાહેરનામાનો અમલ કરાવતી ન હોવાથી શહેરના દોઢસો ફૂટ રિંગ રોડથી લઈ બસસ્ટેન્ડ જેવા વિસ્તારમાં પણ બિન્દાસ્તપણે લકઝરી બસના આટાફેરા બેરોકટોક જોવા મળી રહ્યા છે ત્યારે હવે સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ શહેર પોલીસ પ્રવેશબંધીનો અમલ કરાવશે કે કેમ તેની સામે સવાલ ઉઠ્યા છે.