સોમવારથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓના રાજકોટમાં ધામા
મંગળવારનું રાજકોટ બંધનું એલાન સફળ થાય તે માટે કવાયત : બંધના દિવસે પણ રાજકોટમાં જ રહેશે
આગામી ૨૫મીએ રાજકોટના અગ્નિકાંડને એક મહિનો પૂરો થઇ રહ્યો છે અને આ દિવસે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે આ એલાન સફળ થાય તે માટે પ્રદેશ કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ બે દિવસ માટે રાજકોટમાં ધામા નાખશે. આ નેતાઓ સોમવારે રાજકોટ આવી જશે અને મંગળવારે બંધના દિવસે પણ રોકાશે અને લોકોને બંધ પાળવા અપીલ કરશે.
બનાસકાંઠાના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણીએ આજે વોઈસ ઓફ ડે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના પક્ષના હોદેદારો, ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદ અને વિવિધ સેલના હોદેદારો રાજકોટ આવશે. આ ઉપરાંત મહાપાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ રાજકોટ આવશે અને બંધ સફળ થાય તે માટે લોકોની વચ્ચે ફરશે.
અત્યારે મંગળવારે રાજકોટ બંધ સફળ બનાવવા માટે જીજ્ઞેશ મેવાણી અને લાલજીભાઈ દેસાઈનાં નેતૃત્વમાં સતત પ્રયાસો થઇ રહ્યા છે. જુદા જુદા વેપારી સંગઠનો સાથે વાતચીત થઇ રહી છે અને તેમનું સમર્થન મેળવવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર,પરાબજાર સહિતની બજારો સવારના ભાગે આ બંધમાં જોડાવા માટે સહમત થઇ છે.
