લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરો : એબીવીપી
બાર કાઉન્સિલના નિયમ મુજબ એડમિશન આપવા માંગ સાથે કલેક્ટરને આવેદન
રાજકોટ સહિત રાજ્યભરની યુનિવર્સીટીઓમાં લો કોલેજમાં શૈક્ષણિક સત્ર શરૂ થવા છતાં એડમિશન પ્રક્રિયા શરૂ થઇ ન હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ શાખા દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવાની માંગ સાથે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો કે, શનિવારે ફરિયાદ સંકલનની બેઠક હોય જિલ્લા કલેકટર બેઠકમાં વ્યસ્ત હોવાથી એબીવીપી દ્વારા કલાકો સુધી સુત્રોચાર કરી કલેક્ટરને જ આવેદનપત્ર પાઠવવાની જીદ કરી હતી.
ચાલુ વર્ષે ઓગસ્ટ મહિના વીતવા છતાં હજુ સુધી સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. રાજ્યની બન્ને સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાબા સમયથી પડતર છે આ વિષયના નિરાકરણ હેતુ એબીવીપી રાજકોટ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ બહોળી સંખ્યામાં વિધાર્થીઓને સાથે રાખી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. જેમાં ગુજરાતની તમામ સરકારી અને અર્ધસરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે, ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે સાથે જ ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવા આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માગ કરાઈ હતી.જો કે, આવેદન આપતી વેળાએ જિલ્લા કલેક્ટરને જ આવેદનપત્ર પઠાવવાની જીદ કરી એબીવીપી કાર્યકર્તાઓએ કલાકો સુધી સુત્રોચાર સાથે રામધૂન બોલાવી હતી.