તમારા ઘર-દુકાન-ઑફિસમાં આ રીતે થૂંકશો?
મન પડે ત્યાં પાન-ફાકીની પીચકારી મારતાં વધુ ૨૩ને ઈ-મેમો: મનપાએ
કાર્યવાહી શરૂ કરતાં પિચકારી મારનારા લોકો ઘટવાને બદલે વધી ગયા!
લોકો પોતાના ઘર, દુકાન કે ઑફિસ અથવા રહેવા-વેપાર કરવાની જગ્યા પર ક્યારેય ગંદકી પસંદ કરતા નથી. જો કે આ જ લોકો જ્યારે શહેરને `પોતાનું’ સમજવાની વાત આવે એટલે પીછેહઠ કરવા લાગતા હોય ગંદકી ઘટવાનું નામ લઈ રહી નથી. મહાપાલિકા દ્વારા નવતર અભિગમ હાથ ધરી શહેરમાં વાહન પર પસાર થતી વખતે જ્યાં-ત્યાં પાન-ફાકીની પીચકારી મારનારા લોકોને કેમેરામાં કેદ કરી વાહન નંબરના આધારે તેના ઘેર ૨૫૦ રૂપિયાનો ઈ-મેમો મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે. પાંચેક દિવસથી શરૂ કરાયેલી આ ઝુંબેશમાં એક જ દિ’માં સૌથી વધુ ૨૩ લોકો ઝપટે ચડ્યા છે. એકંદરે કાર્યવાહી શરૂ કરાતા પીચકારી મારનારા લોકો ઘટવાને બદલે વધી ગયા હોવાનું લાગી રહ્યું છે. આવી જ રીતે સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત મહાપાલિકાએ જ્યાં ત્યાં કચરો ફેંકતા ૩૮ લોકો પાસેથી દંડની વસૂલાત કરી હતી તો ત્રણેય ઝોનમાં ચેકિંગ કરીને ૫.૮ કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. આવી જ રીતે શહેરના ૧૦૨ ન્યુસન્સ પોઈન્ટની સફાઈ કરી ૪૭.૨ ટન તેમજ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પરથી ૧૭.૧ ટન કચરાનો નિકાલ કર્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.